નડિયાદના હાથજ તાબાની જૂના મુવાડી શાળાના આચાર્યએ ચાર વૃક્ષો કાપી નાખ્યા
- મંજૂરી લેવાની પણ દરકાર લીધી નહીં
- લીમડો, વડ, ગુલમહોર અને નીલગીરીના લીલા ઝાડ કાપતા કમ્પાઉન્ડ વૉલ પણ તૂટી જતા નુકસાન
હાથજ એસએમસીના સભ્યોએ આક્ષેપ સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, નડિયાદ તાલુકાની હાથજ તાબાની જુના મુવાડી શાળામાં ધો. ૧થી ૭ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં ૭ વર્ગ અને બાળકોની સંખ્યા ૧૪૮ની છે. શાળાનું ગ્રાઉન્ડ મોટું છે જેમાં ઘટાદાર વૃક્ષો સાથે છાયડો રહેતો હતો. પરંતુ શાળાના આચાર્ય જીજ્ઞોશભાઈ પટેલ અને શિક્ષક મુકેશભાઈ પટેલે ગામમાં ફરીને કોરા ચોપડામાં સહીઓ કરાવી લઈ શાળાના લીલા વૃક્ષો કાપી નખાવ્યા હતા. વૃક્ષો કાપવાની કોઈપણ મંજૂરી તાલુકા કે જિલ્લા કચેરીએથી મેળવેલી નહતી. લીમડો, વડ, ગુલમહોર અને નીલગીરી જેવા ઘટાદાર વૃક્ષો કાપવામાં શાળાની કમ્પાઉન્ડ વૉલને પણ નુકસાન થયું હતું. શાળાની દીવાલ તૂટી તે રિપેરિંગ કરવાની ગ્રાંટ માંગી તેમાંથી પણ આચાર્ય સરકારને બંને બાજુનું નુકસાન કરાવશે. આચાર્ય આખો દિવસ જિલ્લા પંચાયતમાં જ હોય છે. શાળામાં આવતા જ નથી. જિલ્લાના મુખ્ય અધિકારી હોય તેવો રોફ જમાવી બાળકોને ખખડાવતા હોવાના આક્ષેપો પણ કરાયા છે.
આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પરેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, વૃક્ષો કાપી નાંખ્યાની કોઈ રજુઆત અમારી પાસે આવેલી નથી, તાપસ કરાવી લઈશ.
સુકો લીમડો કપાવ્યો છે, મંજૂરી લીધી નથી તે મારી ભૂલ : આચાર્ય
આ બાબતે જૂના મુવાડી શાળાના આચાર્ય જીજ્ઞોશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લીમડો સુકાઈ ગયો હતો માટે તેને કપાવી નાખ્યો છે, જે કપાવવાની મંજૂરી લીધી નથી. તે મારી ભૂલ છે.