Gujarat

ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી

By GS TEAM
13 Oct 20253 mins read
ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી

મંદિર અને પોતાને લાઈમ-લાઇટમાં લાવવા કૃત્ય કર્યાની કબૂલાત : સળિયાથી મંદિરના કાચ તોડી નાખ્યા પછી તાળું ખોલી મૂર્તિ ખીણમાં ફેંકી દીધી : પૂજારી અને ફોટોગ્રાફર કમ દુકાનદાર પકડાયા

જૂનાગઢ, : જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખર પર મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવા મામલે પોલીસે મંદિરના પૂજારી તથા ફોટોગ્રાફર તરીકે કામ કરતા દુકાનદારને પકડી લીધા છે. આ બંનેએ મંદિર અને પોતાને લાઈમ-લાઈટમાં લાવવા તેમજ ભાવિકોની સંખ્યા વધે તે માટે કાવતરૂ રચી આ કૃત્ય કર્યાની કબૂલાત આપી હતી. લોખંડના સળીયા વડે મંદિરનો કાચ તોડી નાખ્યા બાદ તાળુ ખોલી મૂર્તિ ખીણમાં ફેંકી દીધી હતી. તુટેલા કાચમાંથી મૂર્તિ નીકળી શકે એટલી જગ્યા ન હતી. આ બાબત એફએસએલ તપાસમાં સામે આવી હતી અને તે જ પોલીસ માટે મહત્વની કડી બની હતી.

ગિરનાર પર્વતના 6,000 પગથિયા પર આવેલા ગુરૂ ગોરખનાથ મંદિરમાં તા. 5-10-2025ના વહેલી સવારે 4-30થી 5 વાગ્યા દરમ્યાન તોડફોડ તેમજ મૂર્તિ ઉખાડી ખીણમાં ફેંકી દેવામાં આવ્યાની ઘટના બની હતી. મંદિરના પૂજારી કિશોર કુકરેજાએ સવારે જગ્યાના મહંત સહિતનાઓને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સહિતના અધિકારીઓ ગોરખનાથ શિખર પર પહોંચ્યા હતા. ત્યારે કિશોર કુકરેજાએ ચાર અજાણ્યા, સફેદ વસ્ત્રો પહેરેલા શખ્સો પોતાના રૂમનો દરવાજો બંધ કરી મંદિરમાં તોડફોડ તેમજ મૂર્તિ ખંડીત કરી ખીણમાં ફેંકી નાસી ગયાની વાત કરી હતી. આ મામલે જગ્યાના મહંતે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એલસીબી પીઆઈ કે.એમ. પટેલે તપાસ શરૂ કરી હતી.

મંદિર ખાતે થયેલી તોડફોડની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. જેમાં મંદિરની એક બાજુએ કાચ તુટેલો હતો તેમજ મંદિરમાં તાળુ હતું. જ્યાંથી કાચ તુટેલો હતો ત્યાંથી અંદાજી 50 કિલો વજનની ગોરખનાથની મૂર્તિ નીકળી શકે તેમ ન હતી. આ બાબત પોલીસ માટે મહત્વની કડી બની હતી. પોલીસે ગોરખનાથ મંદિર નજીક આવેલી દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા રમેશ હરગોવિંદ ભટ્ટની પૂછપરછ કરી હતી. પહેલા તો તેણે ગલ્લાતલ્લા કર્યા હતા બાદમાં પોલીસ સમક્ષ પોપટ બન્યો હતો. પોલીસે મંદિરના પગારદાર પૂજારી કિશોર શિવનદાસ કુકરેજાની પૂછપરછ કરી હતી. આ અંગે એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, કિશોર કુકરેજા બે-અઢી વર્ષથી મંદિરમાં પગારદાર તરીકે  સેવા કરતો હતો, કોઈ સંતો-મહંતો કે ભાવિકો દાન ધર્માદો કરે તો તેમાંથી પણ કટકી કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં કિશોરે મંદિર તથા પોતાને લાઈમ લાઈટમાં આવવા માટે આ કૃત્ય કર્યું હોવાનું કહે છે જેથી સોશ્યલ મિડીયા અને મિડીયા મારફત લોકો આ મંદિર વિશે જાણે અને વધુ લોકો આવે તો તેનો ફાયદો મળે.

પોલીસે જૂનાગઢના મધુરમમાં આવેલા મુરલીધર એપાર્ટમેન્ટમાં રહેતા રમેશ હરગોવિંદ ભટ્ટ (ઉ.વ. 50) અને મુળ મહારાષ્ટ્રના મુંબઈના ઉલ્લાસનગર વિસ્તારમાં રહેતા અને હાલ ગોરખનાથ શિખર પર પૂજારી તરીકે રહેતા કિશોર શિવનદાસ કુકરેજા (ઉ.વ. 42)ને પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેષ ધાધલ્યાએ જણાવ્યું હતું કે, હજુ આ મામલે વધુ પૂછપરછ ચાલી રહી છે, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? આ ઉપરાંત અન્ય કોઈ કારણથી આ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ ? એ બાબતો જાણવા માટે બંનેના રિમાન્ડ મેળવી પૂછપરછ કરવામાં આવશે.