Gujarat

5 થી 10 વર્ષની બાળવયે ચશ્મા આવવાનું પ્રમાણ 140 ટકા વધ્યું

By GS TEAM
8 Oct 20252 mins read
5 થી 10 વર્ષની બાળવયે ચશ્મા આવવાનું પ્રમાણ 140 ટકા વધ્યું

આજે વિશ્વ દ્રષ્ટિ દિવસ  : આંખો ૫ર સ્વાસ્થ્ય નિર્ભર:  રાજ્યમાં અંધત્વનો દર 0.9 ટકાથી ઘટીને 0.3 ટકા થયો : ચાલુ વર્ષે બાળકોની આંખોની સંભાળ બાબતે જાગૃતિ લાવવા કવાયત 

 રાજકોટ, : વિશ્વ દ્રષ્ટિ દિવસ દર વર્ષે ઓક્ટોબરના બીજા ગુરૂવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે આવતીકાલે તા.૯મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય આપણી આંખના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવી અને આપણી દ્રષ્ટિની કાળજી રાખવાનો છે. આ હેતુ માટે દરેક વ્યક્તિએ આંખોનું નિયમિત પરીક્ષણ કરાવવું જોઈએ. કારણ કે, હાલ વિશ્વભરના તમામ વય જૂથોના લગભગ 1  અબજ લોકો દ્રષ્ટિની તીવ્ર ક્ષતિથી પીડાય છે. એમાં પણ વિશ્વની 20 ટકાથી વધુ અંધ વસ્તી માત્ર ભારતમાં છે. 

અંધત્વ અને દ્રષ્ટિની ક્ષતિ નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમના આંકડા જોઈએ તો બાળકોમાં દ્રષ્ટિની ક્ષતિ ખુબ વધી રહી છે. બે વર્ષમાં 5થી 10 વર્ષની બાળવયે ચશ્મા આવવાનું પ્રમાણ 140 ટકા વધ્યું  છે. એટલે કે, માત્ર સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રોના આંકડા જોઈએ તો વર્ષ 2022-23 માં 33,699 બાળકોની આંખોનું નિદાન કરીને ચશ્મા આપવામાં આવ્યા હતા, જેની સરખામણીએ વર્ષ 2023-24માં 47,202 બાળકોને આંખમાં નંબર આવી જવાથી ચશ્મા આપવા પડયા હતા. હવે વર્ષ 2024-25નો રિપોર્ટ બાકી છે, જેમાં પણ ચોંકાવનારા આંકડા આવશે એમ મનાય છે. જેથી વિશ્વ દ્રષ્ટિ દિવસની ઉજવણીમાં ચાલુ વર્ષે બાળકોની આંખોની સંભાળ બાબતે જાગૃતિ લાવવા કવાયત કરવામાં આવશે. 

રાજ્યમાં દ્રષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણના અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી છેલ્લા દાયકામાં રાજ્યનો અંધત્વનો દર 0.9% થી ઘટીને 0.3 % જેટલો થયો છે. વર્ષ 2025 પૂર્ણ થતાં સુધીમાં અંધત્વ દર 0.25% સુધી લઇ જવાનો રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગનો લક્ષ્યાંક છે.