કચ્છમાં માથાભારે વ્યક્તિના મકાન બાદ વરસામેડીમાં બુટલેગરના મકાન પર બુલડોઝરવાળી....
Gandhidham News : રાજ્યમાં અસામાજિક તત્વોની યાદી બનાવી ગેરકાયદે મકાન, વીજ કનેક્શન કાપી કડક કાર્યવાહી સૂચના અપાઈ છે, ત્યારે પૂર્વ કચ્છમાં શિકારપુરમાં માથાભારે શખ્સનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ હવે અંજાર પોલીસ દ્વારા વહીવટી તંત્રને સાથે રાખી વરસામેડીમાં બુટલેગરે બનાવેલું મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
આ બાબતે અંજાર પોલીસ મથકના પી.આઈ. એ.આર. ગોહિલે વિગતો આપતા જણાવ્યુ હતું કે, મૂળ અંજાર તાલુકાના લાખાપરના અને હવે વરસામેડીમાં રહેતા બુટલેગર ૫૧ વર્ષીય સુજા દેવા રબારી વિરુદ્ધ દારૂના 16 ગુનાઓ નોંધાવેલા છે. વરસામેડીમાં અંબાજીનગર - 1ના ગેટ પાસે ગ્રામ પંચાયતની સરકારી જમીન પર બુટલેગરે ઓરડી બનાવી ભાડે આપવા સાથે પોતાના રહેવા માટે ઉપયોગ કરતો હોવાનું ખુલતાં કામગીરી કરાઇ હતી અને મહેસુલી વિભાગને સાથે રાખી આ દબાણ દુર કરવામાં આવ્યું છે. પોલીસની આ કામગીરીમાં 200 મીટર દબાણ દૂર કરાયું છે. જેની કિંમત અંદાજે 20 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
દારૂનો ધંધો કરે છે એટલે તંત્ર તેના ખિસ્સામાં છે તેવી શેખી મારતા બુટલેગરના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. કડક પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી આ કામગીરી સમયે જ્યારે બુલડોઝર દબાણ તોડવા જઇ રહ્યું હતું ત્યારે બુટલેગરે તેના સામે કૂદી જઈ દબાણ ન તોડવા અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસે તેને ત્યાંથી ખસેડી દબાણ પર બુલડોઝર ફેરવી દીધું હતું.