Get The App

ચૂંટણી પહેલાંની લહાણી શરુ, ગોતામાં એક સંસ્થાને ૯૯ વર્ષની લીઝ ઉપર ઓફિસ આપવા મંજૂરી

કોઈપણ વ્યકિત કે સંસ્થા, કે કંપનીને ૧ રુપિયા ટોકનભાડાથી પ્લોટ આપી શકાતો નથી

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી પહેલાંની લહાણી શરુ, ગોતામાં એક સંસ્થાને ૯૯ વર્ષની લીઝ ઉપર ઓફિસ આપવા મંજૂરી 1 - image

       

 અમદાવાદ, સોમવાર,12 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી પહેલાં શાસકપક્ષ દ્વારા  માનીતી સંસ્થાને લહાણી કરાઈ છે.૮ જાન્યુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીહતી. બેઠકમાં આર.એસ.એસ. સાથે સંકળાયેલી એક સંસ્થાને જ્ઞાનમંદિર પ્રકલ્પના કેન્દ્રોના સંચાલન માટે મધ્યસ્થ કાર્યાલય માટે બાંધેલી ઓફિસની જગ્યા ઓફિસ કાર્યના હેતુ માટે ૯૯ વર્ષના લીઝ પેટે આપવા મંજુરી અપાઈ હતી.  રાજય સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસીની જોગવાઈ મુજબ,કોઈપણ વ્યકિત કે સંસ્થા કે કંપનીને ૧ રુપિયા ટોકનભાડાથી પ્લોટ આપી શકાતો નથી.

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય આરતી ગિરીશ પંચાલ અને દશરથભાઈ હરજીવન દાસ પટેલના ટેકાથી તાકીદની દરખાસ્ત મંજુરી માટે મુકાઈ હતી.ડોકટર હેડગેવાર જન્મ શતાબ્દી  સેવા સમિતિ, અમદાવાદ પ્રેરીત જ્ઞાન મંદિર દ્વારા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા સામાજિક, આર્થિક અને પછાત વિસ્તારમા રહેતા બાળકોને વિનામૂલ્યે  શિક્ષણ સાથે સંસ્કાર ઘડતરનો સેવા પ્રકલ્પ શરુ કરવામા આવ્યો છે.૯૬ જેટલા સ્થળોએ શાળાએ જતા હોય તેવા  ધોરણ-૩થી ૮ના બાળકો તથા શાળાએ ના જતા હોય તેવા બાળકોને રોજ બે કલાક  શિક્ષણ અપાઈ રહયુ છે.ભવિષ્યમાં પશ્ચિમ અમદાવાદમાં ૧૪૧ સ્થળે જ્ઞાનમંદિર કેન્દ્ર શરુ કરવાનો હેતુ છે.શહેરની ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-૨૯(ગોતા-ચાંદલોડીયા-સોલા)ના ફાયનલ પ્લોટ નંબર-૯૭-૧માં બાંધેલી ઓફિસની જગ્યા માત્ર ઓફિસકાર્યના હેતુ માટે ૯૯ વર્ષ માટે ૧ રુપિયા ટોકન દરથી ભાડાપટ્ટે આપવાની દરખાસ્ત મંજુર કરાઈ છે.સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી મુજબ, રિઝર્વ પ્લોટમાં બાંધકામ કરેલુ હોય તો  તેવા કિસ્સામા પણ હરાજી કર્યા સિવાય ૯૯ વર્ષના લીઝ ઉપર ફાળવવાની નીતિ નથી. જેથી હવે આ પ્લોટ કે બાંધકામનુ વેલ્યુએશન કરાવાશે.પછી આગળની કાર્યવાહી કરવામા આવશે.

પાલડીમાં વિદ્યાર્થી વિકાસ નીધી ટ્રસ્ટને બજાર કિંમત નકકી કરી પ્લોટ ફળવાયો હતો

ઓકટોબર-૨૦૨૨માં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાલડી ગામતળ વિસ્તારમાં એબીવીપીની મુખ્ય કચેરી, શ્રીલેખા ભવનની બાજુમાં આવેલી સ્ટ્રીટલેન્ડ એટલે કે રસ્તાનીજગ્યાને કાયમી ધોરણે બંધ કરવાની નોટિસ જાહેર કરવાની દરખાસ્તને મંજુરી આપવામા આવી હતી.એ.બી.વી.પી.સાથે જોડાયલા વિદ્યાર્થી વિકાસ નીધી ટ્રસ્ટ દ્વારા શ્રીલેખા ભવનની બાજુમા આવેલી સ્ટ્રીટલેન્ડની ૧૧૭  ચોરસ મીટર જમીનની માંગણી કરાઈ હતી.પહેલા સ્ટ્રીટ લેન્ડના  રસ્તાને કાયમી ધોરણે બંધ કરવાની પ્રક્રીયા પુરી કરવાની મંજુરી અપાઈ હતી.જે પછી અરજદાર સંસ્થા વિદ્યાર્થી વિકાસ નિધી ટ્રસ્ટને બજાર કિંમત નકકી કરીને સ્ટ્રીટલેન્ડવાળા પ્લોટની જમીન ફાળવવાની દરખાસ્ત મંજૂર કરવામા આવી હતી.