Get The App

રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત

પશુઓના જમાવડાથી વાહનચાલકો પરેશાન, સખત પગલાં લેવા તથા જાગૃતિ અભિયાનની માગ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
રસ્તા વચ્ચે વધેલો ખોરાક નાખવાની પ્રવૃતિ યથાવત 1 - image

શહેરના અનેક વિસ્તારોમાં લોકો વધેલો ખોરાક ફૂટપાથ પર અથવા માર્ગની વચ્ચે મૂકતા હોવાની પ્રવૃતિ યથાવત જોવા મળી રહી છે. જેના કારણે રસ્તાઓ પર પશુઓનો જમાવડો થવા લાગ્યો છે અને પસાર થતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.

શહેરના ગધેડા માર્કેટ ચાર રસ્તા, ગણેશનગર ત્રણ રસ્તા અને ખોડિયાર નગર સહિતના ઘણા વિસ્તારોમાં આવી સ્થિતિ વારંવાર જોવા મળે છે. લોકો રસ્તા વચ્ચે ડિવાઈડર અથવા ફૂટપાથ પર એંઠવાડ નાખતા પશુઓ ખોરાક માટે ત્યાં પહોંચે છે. ખાસ કરીને આ વિસ્તારો મુખ્ય માર્ગ પર આવતા હોવાથી ટ્રાફિક વચ્ચે પશુઓ ઉભા રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વાહનચાલકોના જણાવ્યા મુજબ, ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટો પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપતી નથી. જેના કારણે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા પશુઓ ઘણી વખત નજરે પડતા નથી અને તેના કારણે અકસ્માત પણ થાય છે.

અગાઉ આ મુદ્દે મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દ્વારા પણ નાગરિકોને રસ્તા વચ્ચે વધેલો ખોરાક ન નાખવા અપીલ કરવામાં આવી હતી. છતાંય બેદરકારોની માનસિકતા બદલાતી ન હોવાથી સમસ્યા યથાવત રહી છે. લોકોએ તંત્રને આ મુદ્દે સખત પગલાં લેવા તેમજ જાગૃતિ અભિયાન ચલાવવા માગ કરી છે.