Get The App

કોર્પોરેશનમાં નીચા ભાવે ટેન્ડર મેળવીને સમય અને જથ્થા વધારો લેવાની પ્રેક્ટિસ!

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
કોર્પોરેશનમાં નીચા ભાવે ટેન્ડર મેળવીને સમય અને જથ્થા વધારો લેવાની પ્રેક્ટિસ! 1 - image


ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમયસર કામો પૂરા થતા જ નથી

તળાવ ડેવલપમેન્ટ સહિતના વિવિધ આઠ કામમાં જથ્થા અને સમય વધારાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલાઇ ઃ કોર્પોરેશનને વધુ કરોડોનો ખર્ચ થશે

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાના નવા અને જુના વિસ્તારમાં કરોડો રૃપિયાના કામો હાથ ધરવામાં આવે છે.  જેમાં નીચા ભાવે ટેન્ડર મેળવીને સમયસર કામ પૂરું નહીં કરી સમય વધારો અને જથ્થા વધારો માગવાની નવી પ્રેક્ટિસ શરૃ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આઠ જેટલા કામો માટે સમય અને જથ્થા વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશનને વધુ કરોડો રૃપિયાનો ખર્ચ થઈ જશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાનગરપાલિકામાં સરકારની કરોડો રૃપિયાની ગ્રાન્ટ આવે છે આ ઉપરાંત કોર્પોરેશન પણ પ્રજાના ટેક્સના રૃપિયામાંથી વિકાસ કામો કરતી હોવાના દાવા કરે છે પરંતુ બહાર પાડવામાં આવતા ટેન્ડરમાં નીચા ભાવે ટેન્ડર આપીને તેમને સમય અને જથ્થા વધારો આપી દેવાની નવી પ્રેક્ટિસ શરૃ કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. કેમકે છેલ્લા ઘણા સમયથી હાથ ધરવામાં આવેલા કોઈ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ થયા નથી અને તેમને સતત સમય વધારો આપવાની સાથે નવા રૃપિયા પણ આપવામાં આવે છે. શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૮ જેટલા કામોમાં વધારાના ખર્ચની દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.

જેમાં અમૃત સરોવર યોજના હેઠળ કોલવડા અને પેથાપુરમાં તળાવ ડેવલપમેન્ટની કામગીરીમાં કોલવડામાં પણ જથ્થા વધારાના નામે વધારાના ખર્ચની અને સમય મર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે પેથાપુરમાં તો તળાવ ડેવલપમેન્ટના કામમાં ૩.૫૬ કરોડ રૃપિયાનો વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. રાયસણ ખાતે પંચેશ્વર તળાવ અને ગાર્ડનની કામગીરીમાં ૧૪ લાખનો ખર્ચ વધશે. સેક્ટર-૨૪ અને ઇન્દ્રોડામાં નવી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ અને સેક્ટર-૧૩, ૨૯ અને બાસણ ખાતે સ્કૂલના રીનોવેશનની કામગીરીમાં ૯૯.૫૫ લાખ રૃપયાના વધારાના ખર્ચ માટે દરખાસ્ત કરવામાં આવી છે.

પેથાપુર અને વાવોલમાં નવા આરોગ્ય કેન્દ્રના બાંધકામની કામગીરીમાં સમય મર્યાદામાં વધારો કરવા અને ખર્ચમાં ૬.૫૮ લાખનો વધારો કરવાની દરખાસ્ત કરાઇ છે. રાંધેજામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની કામગીરી એક વર્ષ સુધી એટલે કે જૂન ૨૦૨૬ સુધી વધારવાની માંગણી કરવામાંં આવી છે. રાંધેજા ખાતે બની રહેલા નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સની કામગીરીમાં સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની મુદ્દત વધારવા દરખાસ્ત કરાઇ છે સાથે આ કામગીરીમાં ૭૪.૯૨ લાખના વધારાના ખર્ચની દરખાસ્ત પણ રજૂ થઇ છે.

 આ સાથે ગાંધીનગરમાં સ્ટ્રીટ લાઇટો અને હાઇ માસ્ટ લાઇટો નાંખવાની કામગીરી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં નવા વિસ્તારો આવરી લેવામાં આવ્યા હોવાનું કારણ દર્શાવીને વધારાના ૧.૫૦ કરોડ રૃપિયાના ખર્ચને મંજૂરી આપવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તો ઉપર શું નિર્ણય લેવામાં આવે છે.

Tags :