વરસાદ શરૂ થતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાયો, શહેરના અનેક વિસ્તારમાં અંધારપટ
- ધોળકામાં મોડી સાંજે વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડયો
ધોળકા : ધોળકામાં મોડી સાંજે વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદ પડતાની સાથે જ વીજળી ડુલ થતાં રહિશોને હાલાકી વેઠવાની નોબત આવી હતી., યુજીવીસીએલની પ્રી-મોન્સુન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે.
ધોળકા શહેરમાં શુક્રવારે દિવસ દરમિયાન ગરમી, બફારા બાદ સાંજે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડયો હતો. સંધ્યા ટાણે મેઘ ગર્જના અને વીજળીના ચમકારાએ વરસાદી વાતાવરણ ગુંજવી મુક્યું હતું. ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. આકાશી નજારો જોતા વરસાદ રાત્રે પણ મન મુકીને વરસે તો નવાઇ નહીં. બીજી તરફ શહેરમાં યુ.જી.વી.સી.એલ. ટાઉન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી તેમ છતા વરસાદ શરૂ થતાની સાથે જ સોસાયટી વિસ્તારમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઇ જતો હોય છે. શુક્રવારે વરસાદ શરૂ થથાની સાથે જ વીજ પુરવઠો ખોરવાતા વૃદ્ધ અને બીમાર લોકો હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તેમજ હોસ્પિટલોમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્ટ્રીટ લાઇટ બંધ થતાં રસ્તા પરથી પસાર થતા વાહનો અને રાહદારીઓને હાલાકી વેઠવાની નોબત આવી હતી.