વીડિયો બનાવી પોસ્ટ માસ્તરે રહસ્યમય રીતે કાતીલ ઝેર પી લેતાં સારવારમાં મોત
લોધિકાના નવી મેંગણી ગામે સવારે કચેરીમાં જ વિષપાન કર્યું, ઉચાપતની આશંકા : મેં જે કંઈ કર્યું છે એમાં હું જ જવાબદાર છું, કોઈ કર્મચારી જવાબદાર નથી, મે પૈસા દાનધર્માદામાં વાપરી નાંખ્યા છે એક પણ પાઈ ઘરમાં વાપરી નથી વીડિયોમાં ઉલ્લેખ
ગોંડલ, : ગોંડલ પોસ્ટલ ડિવિઝન હેઠળના લોધિકાની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટલ કર્મચારી પરસોતમભાઈ અરજણભાઈ ભાલાળા ઉર્ફે પિયુષભાઈ ભાલાળાએ આજે સવારે સાડા આઠ કલાકે એક વીડિયો જારી કરી સ્વનિવેદન બાદ પોસ્ટ કચેરીમાં જ રહસ્યમય રીતે કાતીલ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લેતાં સનસનાટી મચી ગઈ છે. આ મામલા પાછળ કોઈ નાણાકીય બાબત કારણભૂત હોવાનું વીડિયો નિવેદનમાં અસ્પષ્ટ રીતે કથન છે.પરંતુ પોલીસ તપાસમાં જો કંઈ ખૂલે તો કારણ સ્પષ્ટ બનશે.હજુ પોલીસ પણ કઈ ક જ કારણ દર્શાવતી નથી.
ગોંડલની પટેલ કોલોનીમાં રહેતા ઉકત કર્મચારી લોધિકામાં કલાર્ક અને પોસ્ટ માસ્તરની બેવડી ફરજ બજાવે છે. આજે સવારે આપઘાત કરતા પહેલા વીડિયો રેકોડિગમાં સ્વનિવેદન આપી મભમ રીતે કહ્યું હતુ કે મારા યુઝર આઈડીથી મારી કોઈ પણ ભૂલ હોય તો એ માટે બીજા કોઈ જવાબદાર નથી. મેેં મારી રીતે આ કરેલ છે. એમાં પોસ્ટના કોઈ કર્મચારી જવાબદાર નથી હું અને હું જ જવાબદાર છું.મે મારી રીતે આ કરેલ છે. અને મેં એક પણ પૈસો ઘરમાં આપ્યો નથી. ગરીબો, ગાયો, વૃદ્ધાશ્રમમાં આ પૈસા આપી દીધા છે. મારા પુત્ર નિરવે જે ધંધો કર્યો છે એ પૈસા પોસ્ટમાં નિવૃત થયેલા મારા પત્ની અને મારા પુત્રવધુએ દાગીનાઓ આપીને કર્યો છે અને એ એમની મહેનતનો પૈસો છે. એમાં એક રૂપિયો ય પોસ્ટ ઓફિસનો નથી. જો કે વીડિયોમાં આર્થિક વ્યવહાર કેટલો થયો છે એ કહ્યું નથી.
આ કથન પાછળ આટીઘૂંટીવાળુ રહસ્ય ઘેરાઈ રહ્યુ છે અને પ્રથમ નજરે કોઈ ઉચાપતની ઘટના બની હોય એમ પ્રાથમિક અનુમાન કરીને માનવામાં આવે છે.કારણ કે વીડિયોમાં જે વાત થાય છે એ નાણા સબંધિત થાય છે. નવાઈની વાત એ છે કે પોસ્ટલ સુપ્રિન્ટેન્ડેન્ટને પુછપરછ કરતા તેઓ આ બાબતે મગનું નામ મરી નથી પાડતા અને આજ સુધી આ કર્મચારી સામે કોઈ જ પેન્ડિંગ ઈન્ક્વાયરી નથી કે ઉચાપત થયાની એને કઈ જ ખબર નથી. એ એમ પણ કહે છે કે આ કર્મચારી આગામી 31મી જાન્યુઆરી 2023ના રોજ નિવૃત થનારા હતા. બીજી તરફ લોધિકા પોલીસ પણ હજુ કારણ અને તારણ પર આવી શકી નથી.
બીજી તરફ વીડિયોમાં કર્મચારી કહે છે કે મને ખોટા ચાર્જશીટ આપી મારૂ રાજીનામું મંજુર કરવામાં આવતુ ન હતુ. તો આ રહસ્યમય બાબત શું છેે ? એ બાબતે પોસ્ટના ઉચ્ચ અધિકારીઓએ જબાન સીવી લીધી છે.રહસ્યને છુપાવવા પ્રયાસ થતો હોય એમ જણાય છે. કારણ કે આ પ્રકરણમાં અનેકને છાંટા ઉડવાની શક્યતા નકારાતી નથી.
આજે આ દવા પી લીધાની ઘટના પછી એમની સાથેના સહકર્મચારીએ પરસોતમભાઈના પુત્રને ફોન દ્વારા જાણ કરી હતી. બાદમાં સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ.અને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. તેમજ લોધિકા પોલીસે તપાસ ચાલુ કરી છે.