વિદ્યાનગરના લંડનમાં રહેતા વિધવાના પ્લોટ પર કબજો જમાવી મિલકત પચાવી
- પિતા અને પુત્ર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
- બાકરોલમાં માનસરોવર પાર્કમાં પ્લોટ પરનું મકાન ખાલી નહીં કરી જાનથી મારી નાખવાની ધમકી
આણંદ ખાતે રહેતા રમેશભાઈ રણછોડભાઈ ઠાકોરના મિત્ર સુરેશભાઈ વકીલે તેમના સંબંધી રંજનબેન પટેલ સાથે મુલાકાત કરાવતા રંજનબેને બાકરોલની સીમમાં આવેલી જમીન કે જે માનસરોવર પાર્ક તરીકે ઓળખાય છે તેમાં એક પ્લોટ તેઓએ ૧૯૯૫માં વિનોદભાઈ પટેલ પાસેથી વેચાણ રાખ્યો હોવાનું કહ્યું હતું. આ પ્લોટ ઉપર આવેલા મકાનમાં તેઓ લંડન હોવાથી અને વિધવા હોવાથી તેમનો વહીવટ કરનાર રઘુભાઈ કચ્છી અને તેનો દીકરો ભાવિનભાઈ ગેરકાયદે મકાનમાં ઘૂસી જઈ કબજો કર્યો છે તેમ જણાવ્યું હતું.
રમેશભાઈ ઠાકોર મકાન ખાતે જતા પિતા અને પુત્ર બંનેએ કબજો નહીં છોડવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જિલ્લા કલેકટર કચેરીમાં ઓનલાઇન અરજી કરવામાં આવી હતી.
જેમાં તપાસ બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી વિદ્યાનગર પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કરાતા વિદ્યાનગર પોલીસે રઘુભાઈ કચ્છી અને ભાવિનભાઈ કચ્છી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.