Gujarat

બંદરીય વસાહતના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તે કુંતાસી ગામના ટીંબાની દુર્દશા

By GS TEAM
30 Aug 20252 mins read
બંદરીય વસાહતના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તે કુંતાસી ગામના ટીંબાની દુર્દશા

એક સમયે બહેરીન-ઓમાન સહિતના દેશો સાથે દરિયાઇ વેપાર ધમધમતો હતો : માળિયા મિયાણાના કુંતાસી ગામેથી લાલ અને સફેદ રંગના વાસણોની વિદેશમાં નિકાસ થતી હતી : વહાણો લાંગરવાનાં પથ્થરનાં લંગર દરમિયાન જ્યાંથી મળી આવ્યા હતાં તે સ્થળની કફોડી સ્થિતિ 

રાજકોટ, : અમદાવાદથી 80  કિ.મી. દૂર આવેલી હડપ્પન સંસ્કૃતિની લોથલની બંદરિય વસાહત રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર પરિસર તરીકે જાહેર કરીને સરકારે અહીંની 400 એકર જમીનમાં સમુદ્રી સંગ્રહાલય ઉભું કરવાની યોજના જાહેર કરી છે. બીજી બાજુ રાજકોટ જિલ્લાના માળિયામિયાણા તાલુકામાં આવેલા કુંતાસી ગામની પુરાતત્વીય સાઇટ એવી બંદરિય વસાહતનો આજ સુધી કોઇ પ્રકારની જાળવણી કરવામાં નહીં આવતી ઐતિહાસિક અહીની પ્રાચીન વસાહત ધૂળ ખાતી રહી છે. એક સમયે જ્યાંથી દેશ-વિદેશના શહેરો સામે બંદરિય વ્યાપાર ધમધમતો હતો તે કુંતાસી ગામની ઐતિહાસિક ઓળખ વિસરાતી રહી છે.

માળિયામિયાણા તાલુકાના નાના એવા ગામ કુંતાસીની ઓળખ પુરાતત્વની દ્રષ્ટિએ વિશેષ રહી છે. કુંતાસીનો ટીંબો આજે કચ્છના અખાતથી અંદાજે 7 કિ.મી.ના અંતરે આવેલો છે. લોથલની જેમ જ અહીં એક સમયે બંદરિય વસાહત હશે તેવું ઉત્ખન્ન પૂર્વેના સર્વેક્ષણમાં જણાયું છે. ઉત્ખન્ન દરમિયાન કુંતાસીમાંથી વહાણ લાંગરી શકાય તેવું પ્લેટફોર્મ કે તુતક, માલનો સંગ્રહ કરી શકાય તેવા ગોદામ, તાંબા-કાંસાની વસ્તુઓ માટીના વાસણો બનાવવાના નાના કારખાના અને ભઠ્ઠીઓ મળી આવી છે.

કુંતાસીની બંદરિય વસાહતને મધ્ય પૂર્વના દેશો જેવા કે બહેરીન, ઓમાન અને પ્રાચીન ઇરાક જોડે વ્યાપારિક સંબંધો હશે તેવું પણ જાણવા મળ્યું છે. એક પ્રકારના દ્વિરંગી લાલ અને સફેદ રંગના વાસણોની કુંતાસીથી નિકાસ થતી હશે એક સમયે કચ્છના કચ્છના અખાતના પાણી કુંતાસી સુધી પહોંચતા હશે. ભરતીના સમયે અહીં વહાણો તુતક ઉપર લાંગરવામાં આવતા હશે. કારણ કે વહાણો બાંધવા માટેના પથ્થરના લંગરો અહીનાં ઉત્ખન્ન દરમિયાન મળી આવ્યા છે. એક સમયે આર્થિક રીતે સમૃધ્ધ ગણાતી આ બંદરિય વસાહતની હાલત આજે ચિંતાજનક જોવા મળે છે.

આ વિગતોના સંદર્ભમાં કુંતાસી ગામમાં શિક્ષણ, પર્યાવરણ અને ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પંચોલી જણાવે છે કે કુંતાસી ગામની ઓળખ પુરાતત્વીય ઓળખ વિસરાતી ગઇ છે. બીબીના ટીંબા તરીકે ઓળખાતી હડપ્પન કાલીન સમયની બંદરિય વસાહતને કોઇ પ્રકારનું આરક્ષિત સાઇટ તરીકેની ઓળખ આપવામાં આવી નથી. પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય તેવી આ સાઇટ હોવા છતાં તેની ઉપેક્ષા સેવવામાં આવી છે. લોથલના વિકાસ માટે સરકારનાં જે પ્રયત્નો થઇ રહ્યા છે તેવા પ્રયત્નો કુંતાસી માટે કરવામાં આવે તે અંગે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોને રજૂઆત કરવામાં આવશે. 1500થી 2000ની વસતી  ધરાવતા આ ગામને દેશના નકશામાં ગૌરવવંતુ સ્થાન મળે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.