સિહોરના ટાઉનહોલની દુર્દશા : 300 ખુરશી ગાયબ, દિવાલમાં ગાબડા પડયાં
- ન.પા.ને દર વર્ષે લાખો રૂપિયાની આવક, 6 લોકોનો સ્ટાફ છતાં
- ઓડીટોરિયમ હોલના બણગાં ફૂંકવાના બદલે ટાઉનહોલની યોગ્ય જાળવણી કરવા માંગ
સિહોર ન.પા.ના વિપક્ષના નેતાએ શહેરના મધ્યે આવેલા ટાઉનહોલની સ્થળ મુલાકાત લેતા ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં ખાસ કરીને દિવાલોમાં ગાબડા, ઘણી જગ્યાએ તિરાડો, અંદરની દિવાલોમાં મોટા પ્રમાણમાં ઉધઈ લાગી ગયેલી જોવા મળી હતી. તેમજ પંખા અને લાઈટો પણ બંધ હાલતમાં છે. સ્ટેજનું વાયરિંગ ખુલ્લી હાલતમાં હોય, લોકોને જાનની નુકશાનીનો ભય રહે છે. ઉપરાંત સ્ટેજ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. એક સમયે ખુરશીની સંખ્યા ૩૫૦ જેટલી હતી. જેમાંથી હાલ માત્ર ૫૦ જેટલી જ ખુરશી ઉપલબ્ધ છે. રંભા હોલમાં પણ લાઈટો બંધ હાલતમાં છે. પાઈપના ટેકા ઉપર શટર જોવા મળ્યું હતું. જે તંત્ર અને શાસકોની નિષ્કાળજી અને જાળવણીમાં ખોરી દાનતની ચાડી ફૂંકી રહી છે.
ઉલ્લેખનિય છે કે, સિહોરમાં નવા ઓડીટોરિયમ બનાવવાના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે. પરંતુ ટાઉનહોલ હયાત છે તેની યોગ્ય જાળવણી થતી નથી. આ ટાઉનહોલ સિહોર ન.પા.ને લાખો રૂપિયાની આવક કરી આપી છે. સાફસફાઈ અને દેખરેખ માટે પાંચથી છ લોકોનો સ્ટાફ પણ છે. તેમ છતાં ટાઉનહોલની આવી અવદશા હોય, લોકોમાં પણ રોષ ઉદ્ભવ્યો છે.