જુગારમાં જીતવાની કિટ વેચનાર ખુદ રૂા. 90 લાખ હારી ગયો હતો!

દિલ્હીથી કુરિયરમાં કિટ મંગાવતો હતો યુ-ટયુબ ઉપર કિટનો વીડિયો જોયો હતો, જુગારના શોખીન ગ્રાહકોનો સંપર્ક કરી ડેમો બતાવી કિટ વેચતો
રાજકોટ, : જુગારમાં જીતવા માટેની કિટ વેચનાર વિપુલ પટેલ ખુદ જુગારમાં રૂા. 90 લાખ હારી ગયાની ક્રાઈમ બ્રાંચને માહિતી મળી છે. એસીપી બી.બી. બસીયા અને પીઆઈ એમ.આર. ગોંડલીયાએ પુછપરછ કરતાં વિપુલે કહ્યું કે ત્રણેક વર્ષ પહેલાં તેણે યુ-ટયુબમાં આ કિટ અંગે વીડિયો જોયો હતો. જેમાં જણાવેલા નંબર ઉપર બે વર્ષ પહેલાં સંપર્ક કરતાં તેને દિલ્હી આવી જવાનું કહ્યું હતું.
જેથી બે વર્ષ પહેલાં દિલ્હી ગયો હતો. જયાં એક ઓફિસમાં મહિલા મળી હતી. જેણે કિટનો ડેમો આપતાં રૂા. 35 હજારમાં એક કિટ ખરીદી હતી. જે ઘરે લઈ આવી ચેક કર્યા બાદ તેનું વેચાણ શરૂ કર્યું હતું. જુગાર રમવાના શોખીન ગ્રાહકોનો ફોનથી સંપર્ક કરી કિટ બાબતે જણાવતો હતો. ગ્રાહક ઘરે આવે તો તેને ડેમો આપી કિટ વેચતો હતો.
રૂા. 35,000 ની કિટ ગ્રાહક મુજબ રૂા. 36,000 થી લઈ રૂા. 50,000 માં વેચતો હતો. કુરિયર મારફત દિલ્હીથી કિટ મંગાવી આંગડિયામાં તેનું પેમેન્ટ કરતો હતો. શ્રાવણ મહિનામાં સિઝન નીકળતી હતી. જેથી ગયા વખતે પાંચેક કિટ મગાવી વેંચ્યા બાદ બીજી કિટ મંગાવી હતી. કયા શખ્સને કિટ વેચી તે બાબતે અજાણ હોવાનો કકકો ઘુંટવાનું ચાલુ રાખ્યું છે.








