Gujarat

જામનગર શહેરની જનતાને આગામી શનિવારે નવા બે અડધો-અડધો કિલોમીટરના સીસી રોડની ભેટ મળશે

By GS TEAM
4 Aug 20253 mins read
TukuTouch Logo
જામનગરના જુની આરટીઓ કચેરીથી જૂની ખડપીઠ મેદાન અને જૂની આરટીઓ કચેરીથી મિગ કોલોની તરફ નવા બે રસ્તા ખુલ્લા મુકાશે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરની જનતાને આગામી શનિવારે નવા બે અડધો-અડધો કિલોમીટરના સીસી રોડની ભેટ મળશે

Jamnagar : જામનગર શહેરનો ટ્રાફિક હળવો કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવા રોડ બનાવવા માટેની કવાયત કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શહેરના લાખોટા તળાવની પાળ પર જૂની આરટીઓ કચેરી તરફથી નીકળતા બે રસ્તા જેમાં એક જૂની ખડપિઠ તરફ અને એક લાખોટા મિગ કોલોની તરફ અલગ અલગ બે રસ્તાઓ બનાવાયા છે, અને સીસી રોડનું કામ પૂર્ણતાના આરે છે. આગામી 9મી તારીખે બંને રોડ જાહેર જનતા માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા બ્યુટીફિકેશન કામની સાથે સાથે જામનગરની જુની આરટીઓ કચેરીથી જુના ખડપીઠ મેદાન સુધીની જગ્યા પર અડધો કિલોમીટરની લંબાઈનો ઉંચી હાઈટનો સીસી રોડ બનાવાયો છે. હાલના માર્ગે આ વિસ્તારમાં નીચાણ વાળા ભાગને કારણે વરસાદી પાણી ભરાઈ જતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા તે રોડને ઘણું ઊંચો બનાવ્યો છે, અને આગામી 9મી ઓગસ્ટના દિવસે તે રોડને લોકોની અવર જવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. હાલ ત્યાં લાઇટિંગ સુશોભન સહિતની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત જુની આરટીઓ કચેરીથી જંગલેશ્વર મહાદેવ મંદિર વાળી જગ્યા અને લાખોટા કોલોનીના કોર્નર સુધીના ભાગે પણ નવો સી.સી. રોડ બનાવાયો છે. જે થ્રી લેન રોડ પણ આગામી 9 તારીખે ખુલ્લો મૂકી દેવામાં આવશે, તેની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા દ્વારા આ રોડ રસ્તાના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ વેળાએ તેઓની સાથે મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી, મહાનગરનાના મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ઉપરાંત ડી.એમ.સી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના ઈજનેર રાજીવ જાની સહિતના અધિકારીઓની ટીમ જોડાઈ હતી, અને સમગ્ર માર્ગના કામનું નિરીક્ષણ કરાયું હતું.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી 10મી ઓગસ્ટથી 15 દિવસ માટેનો પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળો યોજાઈ રહ્યો છે, અને તેનું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેળાનો ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે તેમ જ એસટી બસો આ રોડ પરથી ચલાવવાના ભાગરૂપે બન્ને રોડના કામો સત્વરે હાથ ધરી લેવાયા છે.

જામનગરમાં જૂની આરટીઓ કચેરીથી સાત રસ્તા સુધીના 18 મીટર ડી.પી. રોડનું સપનું આખરે 22 વર્ષે સાકાર થયું

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તા પૈકીનો એક રસ્તો કે જે લુપ્ત થયો છે, જેને ફરી જીવંત કરવા અને જૂની આરટીઓ કચેરીથી સીધા સાત રસ્તા પહોંચી જવા માટેની નવો રસ્તો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના માટે આજથી 22 વર્ષ પહેલા દરખાસ્ત કરવામાં આવી હતી, જે સપનું આખરે સાકાર થઈ જઈ રહ્યું છે, અને આગામી 9મી તારીખથી રસ્તો શરૂ થઈ જશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા જૂની આરટીઓ કચેરીથી સાત રસ્તા તરફ જવા માટે 18મીટર નો ડીપી રોડ બનાવાયો હતો, પરંતુ આ સ્થળે અનેક સરકારી ઇમારતો ઉભી હતી. જેવી કે જામનગરનું જુનું સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટેશન અથવા ડીવાયએસપીની કચેરી, ઉપરાંત જૂની આરટીઓ કચેરી, એલસીબીની કચેરી, અન્ય એક સરકારી બેન્ક, તથા સરકારી વિભાગની અન્ય જુદી જુદી કચેરીઓ આ માર્ગ પર આવેલી હતી. અને તમામ જગ્યાઓ ખાલી કરવા માટેનો લાંબો સમય લાગ્યો હતો અને તમામ અડચણોને દૂર કરીને આખરે જામનગર મહાનગરપાલિકા દ્વારા મક્કમતાથી આગળ વધીને ઉપરોક્ત માર્ગ પરનો તમામ બાંધકામ દૂર કરી લેવામાં આવ્યો હતો ત્યારબાદ રસતો ખુલ્લો કરીને જુની આરટીઓ કચેરીથી હાલ મિગકોલોની સુધીનો માર્ગ ખુલ્લો થયો છે અને સીસી રોડ બનાવીને ત્યાંથી વાહનોને કન્વર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે.આગામી દિવસોમાં છેક સાત રસ્તા સુધીનો માર્ગ પૂર્ણ કરીને જોડી દેવામાં આવશે.