Get The App

ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી રજૂ કરી

આરોપી ન્યૂઝ ચેનલ પણ ચલાવે છે ઃ અગાઉ ખંડણીની માંગણી, હથિયાર બંધી અને દારૃ બંધી સહિત પાંચ ગુના દાખલ થયા છે

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે બનાવટી વીમા પોલીસી  રજૂ કરી 1 - image

 વડોદરા,ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે ખોટી વીમા પોલીસી જેટકો કંપનીમાં રજૂ કરી હોવાનો ભાંડો ફૂટતા તેની સામે કપુરાઇ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

માંજલપુરની શિતલકુંજ સોસાયટીમાં રહેતા અલ્પેશ હરિલાલ રાણા જી.ઇ.બી. જેટકોમાં જાંબુવા કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે નોકરી કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૨ જી મે ના રોજ અમારી  હેડ ઓફિસથી ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેકનોલોજી રાજકોટના માલિક ગિરીશ નાનજીભાઇ સોલંકી (રહે. વેસેન્ઝા  હાઇડેક, ગાર્ડિયન ટાવર,કલાલી રોડ, વડોદરા મૂળ રહે. રાજકોટ) ને મંજુસરથી  વાસણા કોતરિયા લાઇન માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાનો ૭.૦૨ કરોડનો લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ વર્ક ઓર્ડર મુજબ આ લાઇન વિસ્તાર આસોજ  સબ ડિવિઝન ઓફિસની અંદર આવતો હોઇ ત્યાંથી સામાન લેવાનો હતો. કામ કરતા માણસોનો વીમો લેવાનો ફરજીયાત હોય છે.  ગિરીશભાઇએ ઇફ્કો ટોકીઓ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ.ની વીમા  પોલીસી રજૂ કરી હતી. આ પોલીસીની ખરાઇ કરવા ઇન્સ્યોરન્સ કંપનીને ઇ - મેલ  કર્યો હતો. તે પોલીસી ખોટી અને બનાવટી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું  હતું. ઉલ્લેખનીય છે કે, ભવાની એનર્જી સોલ્યુશનના માલિક પોતે એક ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. છે. તેમની સામે ખંડણી માંગવી, હથિયાર બંધી તેમજ પ્રોહિબિશનના મળી તાજેતરમાં આ છઠ્ઠી  ફરિયાદ નોંધાઇ છે.