- તરણેતરમાં 'શ્રી કૃષ્ણ ગૌ-શાળા' અને 'અનસોયા આશ્રમ'ના લાભાર્થે
- ભોગ બનનાર ફરિયાદ કરવા આગળ નહીં આવતા થાન પોલીસ ફરિયાદી બની 6 આયોજક, આશ્રમના મહંત સામે ગુનો નોંધ્યો
થાન : થાન તાલુકાના તરણેતર ખાતે શ્રી કૃષ્ણ ગૌ-શાળા તથા અનસોયા આશ્રમ-અમરાપરના લાભાર્થે ઈનામી લક્કી ડ્રો યોજનાની ટિકિટ બહાર પાડી હતી અને થાન, ચોટીલા સહિત જિલ્લા ભરના લોકોને એજન્ટો મારફતે ટિકિટોનું વેચાણ કર્યું હતું. આયોજકો દ્વારા એક ટિકિટના રૂ.૪૯૯ રાખવામાં આવ્યા હતા અને અલગ અલગ લક્ઝરિયસ કાર સહિત મોંઘાદાટ ઈનામોની લાલચ આપી હતી.
ટિકિટના વેચાણ બાદ આયોજકો દ્વારા ગત તા.૧૫ જાન્યુઆરીના રોજ થાનના તરણેતર ખાતે ડ્રો રાખવામાં આવ્યો હતો આથી મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી ડ્રોના સ્થળ પર ઉમટી પડયા હતા પરંતુ આયોજકો દ્વારા ડ્રો રદ કરી નાશી છુટયા હતા અને એજન્ટો સહિત ટિકિટ ખરીદનાર લોકોએ ઉહાપો મચાવતો વીડિયો વાયરલ થતાં મામલો મામલો પોલીસને ધ્યાને આવતા પોલીસે સ્થળ પર પહોંચી હતી. પોલીસે લોકોને શાંત કરી લેપટોપ અને ટિકિટ સહિતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ મામલે ભોગ બનનાર કોઈ એજન્ટ કે ટિકિટ ખરીદનાર દ્વારા અંતે ફરિયાદ ન કરતા થાન પોલીસ ફરિયાદી બની (૧) હીરાભાઈ જે. ગ્રામભડિયા (રહે. નાના માત્રા, વિંછીયા), (૨) લગધીરભાઈ કે. કારેલીયા (રહે. કાનપર, થાન), (૩) સુરેશભાઈ આર. ઝરવરિયા (રહે. નવાગામ, ચોટીલા), (૪) મેરાભાઈ એસ. ડાભી (રહે. ચિત્રાખડા, વાંકાનેર), (૫) નરશીભાઈ ડી. સોલંકી (રહે. વિજળીયા, થાન), (૬) રમેશભાઈ સી. ઝેઝરીયા (રહે. અભેપર, થાન) અને (૭) આશ્રમના મહંત રામદાસ મહાત્યાગી ઉર્ફે રામદાસ બાપુ (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) સામે સમગ્ર છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે ફરિયાદમાં અંદાજે ૬૨,૦૦૦ ટિકિટોનું વેચાણ કરી રૂ.૩,૦૯,૩૮,૦૦૦ ની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા પણ આ સમગ્ર કૌભાંડમાં આયોજકો સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરી કાર્યવાહી હાથ ધરી છે.


