Gujarat

કુપન સ્ક્રેચ કરાવી વૃદ્ધને ઇનામ લાગ્યાનું કહી ગઠિયાએ રૃપિયા પડાવ્યા

By GS TEAM
24 Aug 20252 mins read
કુપન સ્ક્રેચ કરાવી વૃદ્ધને ઇનામ લાગ્યાનું કહી ગઠિયાએ રૃપિયા પડાવ્યા

પાટનગરમાં ગઠિયાઓનો વધતો જતો તરખાટ

નવો શોરૃમ શરૃ કર્યો હોવાનું કહી ઘરે આવેલા ગઠિયાએ છેતરપિંડી કરી ઃ પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં હાલ ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે નવો શોરૃમ શરૃ કર્યો હોવાનું કહી વૃદ્ધ પાસે કુપન સ્ક્રેચ કરાવીને ૧૩,૯૦૦ રૃપિયા પડાવી ગેસની સગડી આપી છેતરપિંડી કરવામાં આવી હતી. જે મામલે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં વધતી જતી ગાંઠિયા ગેંગને કારણે હાલ રહીશો ચિંતામાં મુકાયા છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ચોરી, ચીલ ઝડપના બનાવની સાથે હાલ ગઠિયાઓ પણ સક્રિય થઈ ગયા છે અને અલગ અલગ મોર્ડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને છેતરી રહ્યા છે. થોડા સમય અગાઉ દાગીના ધોવાના બહાને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી ત્યારે આ વખતે એક ગઠીયો ગાંધીનગરમાં વૃદ્ધોને નિશાન બનાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. જે ઘટના સંદર્ભે મળતી વિગતો પ્રમાણે ગત ૧૭ ઓગસ્ટના રોજ સેક્ટર ૨ ખાતે રહેતા લક્ષ્મીશંકર વ્યાસ તેમના ઘરે હાજર હતા તે સમયે એક યુવક તેમના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે દાદા હું બ્રાહ્મણ છું નવો શો રૃમ ચાલુ કર્યો છે. તેમાં કુપન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જો આ કુપન સ્ક્રેચ કરવામાં આવે અને તમને નાનું ઇનામ લાગશે તો કોઈ રૃપિયા આપવાના રહેશે નહીં પરંતુ જો મોટું ઇનામ લાગશે તો થોડીક રકમ ચૂકવવાની રહેશે. જેથી આ વૃદ્ધ આ ગઠિયા યુવાનની જાળમાં ફસાઈ ગયા હતા. યુવાને કુપન સ્ક્રેચ કરાવતા તેમાં એસી, વોશિંગ મશીન, ગેસ સ્ટવ તેમજ ઈલેક્ટ્રીક સગડી જેવા ઇનામો હોવાનું જણાવ્યું હતું. જેથી આ ઇનામો પેટે તેમણે ૧૩૯૦૦ રૃપિયા આપવા પડશે તેમ કહ્યું હતું અને તેની સામે ઇલેક્ટ્રીક સગડી આપી હતી. વૃદ્ધે વિશ્વાસમાં આવીને રૃપિયા આપ્યા હતા અને આ યુવાને બાકીની ચીજ વસ્તુઓ લઈને આવું છું તેમ કહ્યું હતું. જો કે આ યુવાન ગયો તે ગયો પછી પરત ફર્યો જ નહીં પરંતુ વૃદ્ધને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતાં પરિવારના સભ્યોને આ સંદર્ભે જાણ કરી હતી અને ત્યારબાદ સેક્ટર ૭ પોલીસને બનાવતી વાકેફ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૃ કરી હતી.