Gujarat

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ હવે 'ભૂતકાળ' બનશે

By GS TEAM
26 Jun 20251 min read
સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ હવે 'ભૂતકાળ' બનશે

જામનગરની જી.જી. હોસ્પિટલ તોડીને નવનિર્માણ કરાશે રાજાશાહી સમયની હોસ્પિટલનું ૫૦૦ કરોડના ખર્ચે નવીનીકરણ, જૂના વિભાગોનું મોટા પાયે સ્થળાંતર

જામનગર, : જામનગરની ઓળખ, રાજાશાહી સમયમાં 'ઈરવિન હોસ્પિટલ' તરીકે પ્રખ્યાત અને હાલ ગુરૂ ગોબિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું મુખ્ય અને સૌથી જૂનું બિલ્ડિંગ હવે ઇતિહાસના પાનામાં સમાઈ જશે. દાયકાઓથી અસંખ્ય દર્દીઓની સેવાનું સાક્ષી બનેલી આ ઐતિહાસિક ઇમારતને તોડી પાડીને તેના સ્થાને રૂ. 500 કરોડથી પણ વધુના ખર્ચે આધુનિક અને સુવિધાસભર નવી ઇમારતનું નિર્માણ કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.

આના ભાગરૂપે, જૂના બિલ્ડીંગને સંપૂર્ણપણે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં જ્યાં કેશબારી, ઓપીડી, એક્સ-રે વિભાગ સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગો કાર્યરત છે, તે તમામને હોસ્પિટલ પરિસરમાં જ અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીઓ અને તેમના સગાઓને કોઈ અગવડતા ન પડે તે માટે સ્થળાંતરિત થયેલા વિભાગોની યાદી જાહેર કરવામાં આવી છે. જૂની ઈમારતના ડિમોલિશન બાદ નવી ઈમારતનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે.