Gujarat

પ્રેમસંબંધ મામલે મહુવા તાલુકાના નૈપ ગામ યુવકની હત્યાથી ચકચાર

By GS TEAM
22 Jun 20252 mins read
પ્રેમસંબંધ મામલે મહુવા તાલુકાના નૈપ ગામ યુવકની હત્યાથી ચકચાર

- છેલ્લા એક મહિનાના સમયાગાળામાં શહેર-જિલ્લામાં હત્યાના 6 બનાવો

- વહેલી સવારે ખારા પ્લોટ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો, મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

ભાવનગર : મહુવા તાલુકાના નૈપ ગામે  પ્રેમ સંબંધ મામલે  યુવકની હત્યા થતાં ચકચાર મચી છે. હત્યાને અંજામ આપનારા પિતા-પુત્ર વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ફરાર હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. 

મહુવા તાલુકાના નૈપ ગામે આજે વહેલી સવારે ગામમાં જ રહેતા ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫)નો ખારાના પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે મહુવા ગ્રામ્ય પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જયારે બનાવને લઈ મૃતક ના ભાઈ જયેશભાઈ મોલાભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગામમાં જ રહેતાં ગોરધન રાઘવભાઈ મકવાણા અને તેના પુત્ર ગોમાન ગોરધનભાઈ મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગોરધનની પુત્રી સાથે મૃતકને પ્રેમ સંબંધ હોય જે વાત યુવતીના ઉક્ત પિતા અને ભાઈને ગમતી ના હોય, જેથી ઉક્ત બન્નેએ અગાઉ તેમના ભાઈને મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ગત રોજ રાત્રિના સુમારે તેમનો ભાઈ યુવતીને મળવા જતાં યુવતીના પરિવારજનોને ખબર પડી ગઈ હતી. જેના પગલે પિતા-પુત્રે ભાવેશના માથાના ભાગે તિક્ષ્ણ હથિયારોના ૧૦થી ૧૨ ઘા મારી હત્યા કરી દીધી હતી. આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસે બન્ને વિરૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં આશરે છેલ્લા એક મહિનાના સમયગાળામાં હત્યાના કુલ ૬ બનાવો બન્યા છે ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.