સુરત પોલીસના સાઇબર ક્રાઇમ પોલીસ મથકનું સંખ્યાબળ 13 થી વધીને 63 થયું
શહેર પોલીસમાંથી 3 પીઆઇ, 3 પીએસઆઇ અને 44 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકની સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં બદલી
વિધાનસભામાં સાઇબર ક્રાઇમ પોલીસની નબળી કામગીરીના આક્ષેપના બીજા જ દિવસે બદલી થઇ
સુરત,તા.3 માર્ચ 2020 મંગળવાર
સાઇબર ક્રાઇમ પોલીસ અરજી લે છે, ફરિયાદ નોંધતી નથી તેમજ તેની કામગીરી નબળી છે તેવા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના આક્ષેપના બીજા દિવસે જ સુરત શહેર પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે શહેર પોલીસમાંથી કુલ 50 પી.આઇ, પીએસઆઇ, હેડકોન્સ્ટેબલની સાયબર ક્રાઇમ પોલીસમાં બદલી કરતા સંખ્યાબળ 13 થી વધીને 63 થઇ ગયું છે.
ગુજરાત
વિધાનસભામાં વિપક્ષે ગતરોજ આક્ષેપ કર્યો હતો કે સાઇબર ક્રાઇમ પોલીસ અરજી લે છે, ફરિયાદ નોંધતી નથી
તેમજ તેની કામગીરી નબળી છે. સાઇબર ક્રાઇમ પોલીસ ત્રીજા ભાગના ગુનેગારો સામે
ચાર્જશીટ ફાઈલ કરી શકી છે. સાઇબર ક્રાઇમ પોલીસની નબળી કામગીરીના આક્ષેપના બીજા જ
દિવસે સુરત શહેર પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે શહેર પોલીસમાંથી મોટાપાયે
અધિકારીઓ અને પોલીસકર્મીઓની સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં બદલીનો હુકમ કર્યો હતો.
પોલીસ કમિશનરે એરપોર્ટ ખાતે ફરજ બજાવતા પીઆઇ એ.ડી.ગામીત, સ્પેશ્યલ
બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઇ એ.આર.ધવન, ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ
બજાવતા પીઆઇ કે.એ.ગઢવી તેમજ સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવતા વુમન પીએસઆઇ
આર.જે.સંઘાણી, ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇ
ટી.એ.ગઢવી અને કે.એ.સાવલીયાની સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં બદલી કરી હતી.
તદુપરાંત, સ્પેશ્યલ બ્રાન્ચ, રીડર બ્રાન્ચ, કંટ્રોલ રૃમ, ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 44 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકની પણ પોલીસ કમિશનરે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં બદલીનો હુકમ કર્યો હતો. આજે થયેલી બદલીને પગલે હવે સુરત શહેર સાઇબર ક્રાઇમ પોલીસ મથકનું સંખ્યાબળ વધીને 63 થયું છે. અગાઉ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં એક પીઆઇ, એક પીએસઆઇ અને 11 પોલીસકર્મી હતા.