- વર્ષ-2025 માં શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં તેજીની આશા માત્ર આશા જ રહી
- ચાલુ વર્ષે 121 શિપ આવ્યા, ઓક્ટોબરમાં સૌથી વધુ 16 અને સૌથી ઓછા મે અને ડિસેમ્બરમાં માત્ર 4-4 શિપ લાંગર્યાં
વર્ષ ૨૦૨૫ના જુન મહિનામાં હોંગકોંગ કન્વેન્શન લાગુ થયાં પછી અલંગમાં તેજી આવશે તેવી આશા વર્ષ-૨૦૨૫ની શરૂઆતથી વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ આ આશા માત્ર આશા જ રહી છે. કોરોનાકાળ પછીના વર્ષો કરતા પણ ખરાબ સ્થિતિ શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં જોવા મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષોમાં અલંગમાં આવતા શિપની સંખ્યા સતત ઘટી રહી છે. વર્ષ-૨૦૨૧માં અલંગમાં ૨૦૧ શિપ આવ્યા હતા, છેલ્લા પાંચ વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં ૪૧.૫૫ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ-૨૦૨૫માં ૧૨૧ શિપ આવ્યા છે. જેમાં સૌથી વધારે ૧૬ અને સૌથી ઓછા મે અને ડિસેમ્બરમાં માત્ર ૪-૪ શિપ આવ્યા છે. તેમજ છેલ્લા પાંચ વર્ષના ડિસેમ્બર મહિનાની સરખામણીએ ડિસેમ્બર-૨૦૨૫માં સૌથી ઓછા શિપ અલંગમાં આવ્યા છે. જોકે ગત વર્ષ ૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫માં સ્થિતિ થોડી સારી જણાઈ રહી છે. વર્ષ-૨૦૨૪માં અલંગમાં ૧૧૦ શિપ આવ્યા હતા. ગોહિલવાડની આર્થિક કરોડરજ્જૂ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે વર્ષ-૨૦૨૫ ધારણા કરતા ઓછુ ફળ્યું છે ત્યારે આગામી વર્ષ-૨૦૨૬માં ઉદ્યોગ ફરી ધમધમતો થાય તેવી આશા શિપબ્રેકરો સેવી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષના શિપની સંખ્યાની વાત કરવામાં આવે તો વર્ષ-૨૦૨૧માં ૨૦૭, ૨૦૨૨માં ૧૪૧, ૨૦૨૩માં ૧૩૭ અને ૨૦૨૪માં ૧૧૦ શિપ અલંગમાં આવ્યા હતા.
શિપ રિસાયક્લિંગ, રિપેરિંગ અને બિલ્ડિંગ પર સરકારનું ફોક્સ
શિપ રિસાયક્લિંગ માટે દક્ષિણ એશિયામાં અગ્રીમ સ્થાન અને અલગ ઓળખ ધરાવતા અલંગ અને ભારત દેશને શિપ રિસાક્લિંગ, શિપ રિપેરિંગ અને શિપ બિલ્ડિંગ ક્ષેત્ર પણ ઓળખ અપાવવાનું સરકારનું ફોકસ છે. આંતરરાષ્ટ્રીય ઉતાર-ચડાવની સીધી અસર શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં જોવા મળે છે ત્યારે ભારત માત્ર શિપ રિસાક્લિંગ ઉદ્યોગ જ નહી પણ શિપ બિલ્ડિંગ અને શિપ રિપેરિંગ સેક્ટરમાં પણ વિશ્વમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરે તે જરૂરી છે.
અલંગમાં આવેલા શિપની વિગત
|
મહિનો |
૨૦૨૪ |
૨૦૨૫ |
|
જાન્યુઆરી |
૧૫ |
૧૦ |
|
ફેબુ્રઆરી |
૮ |
૧૦ |
|
માર્ચ |
૫ |
૧૧ |
|
એપ્રીલ |
૩ |
૯ |
|
મે |
૧૨ |
૪ |
|
જુન |
૧૦ |
૮ |
|
જુલાઈ |
૪ |
૧૨ |
|
ઓગસ્ટ |
૧૦ |
૧૧ |
|
સપ્ટેમ્બર |
૭ |
૧૫ |
|
ઓક્ટોબર |
૧૨ |
૧૬ |
|
નવેમ્બર |
૧૪ |
૧૧ |
|
ડિસેમ્બર |
૧૦ |
૪ |
|
કુલ |
૧૧૦ |
૧૨૧ |


