VVIP માટે રેસકોર્સ એરપોર્ટ બન્યું હેલિપેડ : હજુ સપ્તાહ પહેલાં જ રૂ।. 4.50 કરોડના ખર્ચે કૃષિ જણસી રાખવા બનેલા મેદાનનું લોકાર્પણ બાકી તે પહેલાં કામ આવ્યું
રાજકોટ, : રાજકોટના મોરબી રોડ પર બેડી ગામ પછી યોજાયેલ વાઈબ્રન્ટ સમિટના ઉદ્ધાટન માટે ગઈકાલે વડાપ્રધાનનું આગમન થયું ત્યારે પી.એમ. માટેના ત્રણ હેલીકોપ્ટરોના ઉતરાણ અને ઉડયન માટે નજીકમાં જ બેડી યાર્ડ ખાતે હેલીપેડની તાબડતોબ વ્યવસ્થા કરી દેવાઈ હતી. યાર્ડમાં નવા બનેલા અને હજુ વપરાશ શરૂ નથી થયો તેવા ૨૬૦૦૦ ચો.મી.માં સીમેન્ટ કોંક્રિટના મેદાનને હેલીપેડ તરીકે ઉપયોગમાં લેવાયું હતું. યાર્ડમાં હેલીકોપ્ટરનું ઉતરાણ પણ પ્રથમવાર થયું છે.
આ અંગે યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે કૃષિપેદાશોની આવક દિનપ્રતિદિન વધી રહી છે જે સોદા થાય ત્યાં સુધી ઉતરાઈ કરાવવા માટે રૂ।. 4.50 કરોડના ખર્ચે 7 એકર જમીન એટલે કે આશરે 26,000 ચોરસમીટરમાં સીમેન્ટ કોંક્રિટનું મેદાનનું કામ હાથ ધરાયું હતું જે એકાદ સપ્તાહ પહેલા જ પૂરૂ થયું છે. ચેરમેન જયેશ બોઘરાએ ઉમેર્યું કે અમે લોકાર્પણ કોઈ મજુરના હાથે જ કરાવતા હોઈએ છીએ. લોકાર્પણ બાકી છે ત્યાં દેશના પ્રધાનમંત્રીના ત્રણ હેલીકોપ્ટર ઉતારવા ઉપયોગ થતા આ રીતે વડાપ્રધાન પણ યાર્ડમાં આગમન પણ થયું છે. હેલીપેડ તરીકે વાપરવા ત્યાં જડબેસલાખ સલામતિ બંદોબસ્ત રાખી દેવાયો હતો. ગઈકાલે રવિવારની રજા હોવાથી યાર્ડ પણ બંધ રહેતું હોય છે. વડાપ્રધાનનું આગમન થયું અને હેલીકોપ્ટરે ઉડાન ભરી ત્યાં સુધી તે નિહાળવા મેદની ભેગી થઈ હતી. કાર્યક્રમ સ્થળથી બેડીયાર્ડનું અંતર માત્ર 2 કિ.મી. છે. જ્યારે રેસકોર્સમાં બંધ થયેલા એરપોર્ટના વિશાળ મેદાનને પણ હેલીપેડ તરીકે કાર્યરત કરાયું છે જ્યાં અન્ય વી.વી.આઈ.પી, ઉદ્યોગપતિઓના હેલીકોપ્ટર લેન્ડ થયા હતા.


