Gujarat

પોતાની સલામતીની ચિતા કરનારાઓની બેદરકારી, ૨૩૮ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપર કોઈ પ્રકારની સિકયુરીટી નથી

By GS TEAM
21 Nov 20251 min read
પોતાની સલામતીની ચિતા કરનારાઓની બેદરકારી,  ૨૩૮ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઉપર કોઈ પ્રકારની સિકયુરીટી  નથી

  અમદાવાદ,શુક્રવાર,21 નવેમ્બર,2025

ગુજરાત એ.ટી.એસ.દ્વારા અમદાવાદમાંથી પકડવામા આવેલા આતંકવાદીઓ પાસેથી મળેલા રાઈઝિન કેમીકલનો મુદ્દે મ્યુનિ.બોર્ડ બેઠકમાં કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓની બેદરકારી વિપક્ષ દ્વારા બહાર લવાઈ હતી. આતંકવાદીઓ પાસેથી મળેલ રાઈઝિન કેમીકલ જો પાણીમા ભેળવાયુ હોત તો મોટી જાનહાની થઈ હોત તે પ્રકારનો આક્ષેપ વિપક્ષનેતાએ કરતા કહયુ, શહેરમા આવેલા ૨૩૮ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પૈકી એક સ્ટેશનમાં સિકયુરીટી કે બાઉન્સર મુકવામા આવ્યા નથી.

કોર્પોરેશનમાં બેસતા મેયર,મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલો, ઝોન કચેરી કે  કોર્પોરેશનના અન્ય બિલ્ડિંગમાં ત્રણ હજાર જેટલા સિકયુરીટી અને બાઉન્સર ફરજ બજાવી રહયા છે. પોતાની સલામતીની જેટલી ચિંતા કરો છો એટલી જ ચિંતા આ શહેરમાં વસતા ૮૦ લાખ લોકોની કરો.ગુજરાત એટીએસની સફળતાને બિરદાવવી જ પડે. પરંતુ  કોર્પોરેશનના દ્રષ્ટિકોણથી જોવામા આવે તો એક પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે કોઈ પ્રકારની સલામતી ના હોય એ કેટલી ગંભીર બાબત છે. રાઈઝિન એ સાઈડનાઈડથી  છ હજાર ગણો ખતરનાક સાબિત થાય છે એમ છતાં કોર્પોરેશન લોકોની સલામતી માટે કાર્યવાહી કરવામા સદંતર નિષ્ફળ રહયુ છે તે વાત શાસક પક્ષ ગંભીરતાથી લે.