Gujarat

ભાવનગરમાં શેડ સહિતના 40 થી વધુ દબાણ મહાપાલિકાએ હટાવ્યાં

By GS TEAM
31 Dec 20251 min read
ભાવનગરમાં શેડ સહિતના 40 થી વધુ દબાણ મહાપાલિકાએ હટાવ્યાં

- જશોનાથથી ચાવડીગેટ સુધીના રોડ પરથી લારી-કેબિનના દબાણ દૂર કર્યા

- ભરતનગરમાંથી 15 ઓટલા, 2 શેડ, 8 કંપાઉન્ડ વોલ, 4 બાથરૂમ, 2 ઓરડી સહિતના દબાણ તોડી પાડયાં 


ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની ટીમે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખી છે, જેના ભાગરૂપે આજે મંગળવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ હટાવ્યા હતા, જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.  

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમે આજે મંગળવારે ૪૦થી વધુ ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા, જેમાં જશોનાથ ચોકથી ચાવડીગેટ પોલીસ ચોકી સુધી આવેલ રોડ પરથી અસ્થાયી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ૦૧ કાચની પેટી ૦૧ કેબિન, ૦૨ લારી, ૦૪ ટેબલ, ૦૧ મોટુ ટેબલ, ૦૧ સ્ટીલ ટીપડું વગેરે સામાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ભરતનગર વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટી મુખ્ય માર્ગ પર રોડ વિભાગ અને ટીડી વિભાગના આવેલ પત્ર અન્વયે દબાણ હટાવ સેલ દ્વારા દબાણ હટાવવાની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે, જેમાં ૧૫ ઓટલા, ૨ શેડ, ૮ કંપાઉન્ડ વોલ, ૪ બાથરૂમ, ૨ ઓરડી અને ૨ પાણીના ટાંકા વગેરે દબાણ તોડી પાડયા હતાં. 

મહાપાલિકાની ટીમે ગેરકાયદે દબાણ દૂર કરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી અને કચવાટ ફેલાયો હતો. આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત રહેશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.