મહાપાલિકાને 3 માસમાં મિલકત વેરા પેટે રૂા. 121.02 કરોડની આવક
- નાણાંકીય વર્ષ 2025-26 નો મિલકત વેરો સ્વિકારવાની કામગીરી યથાવત
- 3 માસમાં 1.71 લાખ કરદાતાએ મિલકત વેરો ભર્યો
મહાપાલિકાને ગત એપ્રિલ,મે અને જૂન માસમાં મિલકતવેરાની કુલ રૂા.૧ર૧.૦ર કરોડની આવક થઈ છે અને કુલ ૧,૧૭,૩૧૬ કરદાતાએ મિલકત વેરો ભર્યો છે. ઉલ્લેખનિયછે કે, મહાપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા દર વર્ષે કરદાતાઓ માટે રિબેટ યોજના જાહેર કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગત એપ્રિલ માસમાં ૧૦ ટકા રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી. જેનો બહોળી સંખ્યામાં કરદાતાએ લાભ લીધો હતો તેથી મહાપાલિકાને મિલકત વેરાની સારી આવક થઈ હતી. ત્યારબાદ ગત મે માસમાં પાંચ ટકા રિબેટ યોજના જાહેર કરવામાં આવી હતી, જેમાં પણ ઘણા કરદાતાએ મિલકત વેરો ભરી યોજનાનો લાભ લીધો હતો પરંતુ ૧૦ ટકા રિબેટ યોજનાની સરખામણીએ પાંચ ટકા રિબેટ યોજનામાં મિલકત વેરાની આવક ઓછી નોંધાઈ હતી.
મહાપાલિકાની રિબેટ યોજના પૂર્ણ થયા બાદ ઘરવેરાની ટીમે મિલકત વેરો વસુલવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરીના પગલે હાલ કરદાતાઓ મિલકત વેરો ભરી રહ્યા છે અને આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેથી મહાપાલિકાની મિલકત વેરાની આવક વધશે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું છે.
3 માસમાં થયેલ મિલકત વેરાની આંકડાકીય માહિતી
માસ |
કરદાતા |
આવક
(કરોડમાં) |
એપ્રિલ |
૧,૪૬,૮૦૬ |
૧૦૦.પ૯ |
મે |
૧૮,૭૮૬ |
૧૩.૯૦ |
જૂન |
પ,૭ર૪ |
૬.પ૩ |
કુલ |
૧,૭૧,૩૧૬ |
૧ર૧.૦ર |
વેરો વસુલવા કડક કાર્યવાહી કરવી જરૂરી
ભાવનગર મહાપાલિકા દ્વારા બે માસ સુધી રિબેટ યોજના આપવામાં આવે છે છતાં ઘણા કરદાતાઓ મિલકત વેરો ભરતા નથી ત્યારે મહાપાલિકાએ મિલકત વેરો વસુલવા માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. આ બાબતે ઘરવેરા અધિકારીએ જણાવ્યું કે, હાલ મિલકત વેરો વસુલ કરવાની કામગીરી ચાલી રહી છે અને મિલકત વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં મિલકત વેરો નહીં ભરનારના નળ-ગટર કનેકશન કાપવાની પણ કાર્યવાહી કરાશે.