ભાવનગર મહાપાલિકાને છેલ્લા 5 વર્ષમાં કુલ રૂા. 26.14 કરોડની વ્યવસાય વેરાની આવક
- મહાપાલિકાની વ્યવસાય વેરાની આવકમાં સતત થતો વધારો
- છેલ્લા 5 વર્ષમાં 45,783 કરદાતાએ વ્યવસાય વેરો ભર્યો : વ્યવસાય વેરો વસુલવાની કામગીરી યથાવત
ભાવનગર મહાપાલિકા દ્વારા મિલકત વેરો વસુલવામાં આવે છે તેની જેમ જ વ્યવસાય વેરો પણ વસુલવામાં આવે છે, જેના પગલે ભાવનગર મહાપાલિકાને ગત વર્ષ ર૦ર૦-ર૧ થી લઈ ર૦ર૪-રપ દરમિયાન એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં વ્યવસાય વેરાની કુલ રૂા. ર૬,૧૪,ર૪,૯૪૧ ની આવક થઈ છે અને કુલ ૪પ,૭૮૩ કરદાતાએ વેરો ભર્યો છે. દર વર્ષે વ્યવસાય વેરાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકાના વ્યવસાય વેરા વિભાગ દ્વારા વ્યવસાય વેરો વસુલવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં એપ્રિલ માસથી નવા વર્ષનો વ્યવસાય વેરો સ્વિકારવામાં આવે છે, જે આસામીઓ નિયમીત વ્યવસાય વેરો ભરે છે તેઓ એપ્રિલ અને મે માસમાં વ્યવસાય વેરો ભરી દેતા હોય છે પરંતુ આ બે માસ બાદ મહાપાલિકા દ્વારા વ્યવસાય વેરો વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
મહાપાલિકાના વ્યવસાય વેરાની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ બીલની બજવણી કરવામાં આવે છે અને વ્યવસાય વેરો ભરી દેવા અનુરોધ કરવામાં આવે છે. સપ્ટેમ્બર માસ સુધીમાં વ્યવસાય વેરો નહીં ભરતા આસામીઓ પાસેથી ઓકટોબર માસથી વ્યાજ પણ વસુલવામાં આવે છે તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના વ્યવસાય વેરા વિભાગના અધિકારીએ જણાવેલ છે.
વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી દંડ વસુલાશે : અધિકારી
ભાવનગર મહાપાલિકા દ્વારા નાણાંકીય વર્ષે એપ્રિલથી માર્ચ માસ દરમિયાન વ્યવસાય વેરો સ્વિકારવામાં આવે છે અને બે માસમાં વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી વ્યવસાય વેરો વસુલવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. સપ્ટેમ્બર માસ સુધીમાં વ્યવસાય વેરો નહીં ભરનાર પાસેથી દંડ વસુલવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે કરદાતાઓને નિયમ અનુસાર વ્યવસાય વેરો ભરી દેવા અનુરોધ કરવામાં આવે છે તેમ ભાવનગર મહાપાલિકાના ટેક્સ સુપ્રિટેન્ડન્ટ (શોપ-વ્યવસાય વેરા) આરતી રાઠોડે જણાવેલ છે.
5 વર્ષમાં કરદાતાએ ભરેલ વ્યવસાય વેરાની આંકડાકીય માહિતી
વર્ષ |
કરદાતા |
આવક |
|
૨૦૨૦-૨૧ |
૮૭૩૭ |
૪,૩૬,૨૩,૫૭૫ |
|
૨૦૨૧-૨૨ |
૮૬૧૧ |
૪,૬૮,૨૧,૭૫૬ |
|
૨૦૨૨-૨૩ |
૮૮૨૬ |
૪,૮૦,૫૨,૪૦૨ |
|
૨૦૨૩-૨૪ |
૯૨૯૨ |
૫,૫૧,૨૩,૫૮૦ |
|
૨૦૨૪-૨૫ |
૧૦૩૧૭ |
૬,૭૮,૦૩,૬૨૮ |
|
કુલ |
૪પ૭૮૩ |
ર૬,૧૪,ર૪,૯૪૧ |
|