Gujarat

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 7.25 કરોડના કામને મંજૂરી અપાઈ

By GS TEAM
14 Aug 20252 mins read
મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 7.25 કરોડના કામને મંજૂરી અપાઈ

- સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સમીક્ષા બાદ 21 ઠરાવને સર્વાનુમતે બહાલી 

- ભીકડા કમ્પાઉન્ડની ફરતે દિવાલ, સ્ટોન પીચીંગ તથા બ્યુટીફિકેશનનું કામ રૂા. 20.35 લાખના ખર્ચે કરાશે 

ભાવનગર : ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં બુધવારે અંદાજે રૂ. ૭.૨૫ કરોડનાં વિકાસ કામોની મંજુરી આપવામાં આવી હતી, જેમાં ભીકડા કમ્પાઉન્ડની ફરતે દિવાલ તથા કમ્પઉન્ડમાં સ્ટોન પીચીંગ તથા બ્યુટીફિકેશનનુ કામ રૂા. ૨૦,૩૫,૬૬૧ ખર્ચે કરાશે. 

સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં ર૧ ઠરાવને બહાલી આપવામાં આવી હતી, જેમાં સીદસર બાયપાસ રોડથી ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ સુધી જી.ડબલ્યુ.આઈ.એલ (મહીપરીએજ)નું રો-વોટર લાવવા માટેનું કામ તથા બોરતળાવ બટરફ્લાય ગાર્ડનની પાસે આવેલા વેલ (કુવા) માંથી રો-વોટર પમ્પીંગ કરી તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ સુધી લાવવાનુ કામ રૂા. ૬,૩૨,૬૨,૪૯૮ ખર્ચે કરાશે. ઉપરાંત શહેરમાં નાબુદ થયેલ કચરાના પોઈન્ટ પર બ્યુટીફિકેશન કામગીરી કરાવવા માટે રૂા. ૭,૩૦,૬૬૬ નો ખર્ચ થશે. નારી કુમારશાળા જુનુ બિલ્ડીંગ મરામત, નવી કમ્પાઉન્ડ વોલ અને જગદિશ્વરાનંદ શાળા ખાતે શેડ બનાવવાનુ કામ રૂા. ૪૮,૯૧,૫૩૧ ખર્ચે કરાશે. 

બોરતળાવ બટરફ્લાય ગાર્ડનની પાસે આવેલા વેલ (કુવા) માંથી રો-વોટર પમ્પીંગ કરી તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ સુધી લાવવા માટેના કામને મંજૂરી આપવામાં આવી હતી જેથી તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ ખાતે મહીપરીએજ ઉપરાંત બોરતળાવમાંથી રો વોટર પૂરું પાડી શકાશે. આજ રીતે ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ ખાતે રો-વોટર શેત્રુંજી ડેમથી મેળવવામાં આવે છે, જેમાં એક કરતા વધુ રો વોટરનો સ્ત્રોત મેળવવા જી.ડબલ્યુ.આઇ.એલ.(બુધેલ મહીપરીએજ) ગ્રીડમાંથી સીદસર બાયપાસ ખાતે આવેલ હયાત સંપમાં પાણી મેળવી રો વોટર પંમ્પીંગ કરી ચિત્રા ફીલ્ટર પ્લાન્ટ સુધી પહોંચાડી શકાશે. 

ખરાબો હટાવવો મોંઘો પડયો, રૂા. 11.89 લાખનો ખર્ચ થયો 

ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ, ધોબી સોસાયટીથી બાલવાટિકા સુધીના ૧૮.૦૦ મીટર રોડ પૈકીના દબાણો દુર કરવા ૭૧ આસામીને નોટિસ આપ્યા બાદ દબાણ દૂર કરવાની કામગીરી ત્રણ દિવસ કરવામાં આવી હતી. આ ખરાબો ઉપાડવાની કામગીરી રોડ અને ડ્રેનેજ વિભાગના વાર્ષિક ભાવના કોન્ટ્રાકટર યુવરાજસિંહ ગોહિલ પાસે કરાવવામાં આવી હતી. ખરાબો હટાવવા માટે કુલ રૂા. ૧૧.૮૯ લાખનો ખર્ચ થયો છે, જેમાં ટ્રક સહિતના વાહનનો ઉપયોગ કરાયો હતો. ખરાબો હટાવવો મહાપાલિકાને મોંઘો પડયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના અપાઈ 

ભાવનગર શહેરમાં રોડ, ડ્રેનેજ સહિતના પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક દરમિયાન અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને કામગીરીમાં કોઈ મૂશ્કેલી આવતી હોય તો તેની કમિશનર સાથે સમીક્ષા કરવા જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં મોટાભાગના કામ સમયસર થતા નથી અને સ્ટેન્ડિંગ કમિટિમાં વારંવાર સૂચના આપી સંતોષ માનવામાં આવે છે.