મહાપાલિકાએ કામગીરીના નામે શહેરમાં ઠેર-ઠેર રોડ ખોદી નાંખ્યા
- રોડ, ડ્રેનેજ લાઈન સહિતની કામગીરી ધીમી થતી હોવાની ફરિયાદ
- સંસ્કાર મંડળ, રૂપાણી, સહકારી હાર્ટ સહિતના વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી કામગીરી : ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવા માંગ
ભાવનગર શહેરના સંસ્કાર મંડળ, રૂપાણી, સહકારી હાર્ટ, સંસ્કાર મંડળથી રામમંત્ર મંદિર તરફનો રોડ, સુભાષનગર, તળાજા રોડ સહિતના વિસ્તારમાં હાલ રોડ બનાવવાની, ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનુ સુત્રોએ જણાવેલ છે, જેના કારણે ઘણા રોડ ખોદી નાખવામાં આવ્યા છે. કેટલાક કામ લાંબા સમયથી ચાલી રહ્યા છે અને માત્ર વન-વે રોડ શરૂ છે તેમજ કેટલીક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ખુબ જ મૂશ્કેલી પડી રહી છે. વન-વે રોડ શરૂ હોવાના પગલે અકસ્માતના બનાવ બને છે તેમજ ટ્રાફીકજામ જોવા મળતો હોય છે. કેટલાક કામ ધીમીગતીએ ચાલી રહ્યા છે ત્યારે ઝડપી કામગીરી પૂર્ણ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
આગામી જુન માસમાં ચોમાસા ઋતુ શરૂ થશે અને જો ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ નહીં થાય તો કામગીરી ચાલી રહી છે ત્યાં વરસાદી પાણી ભરાશે, જેના કારણે લોકોની હાલાકી વધશે તેમ જણાય રહ્યુ છે. ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ થશે કે નહીં ? તેની રાહ જોવી જ રહી.
રામમંત્ર મંદિરથી સંસ્કાર મંડળ તરફ આરસીસી રોડ તોડી નાખ્યો
ભાવનગર શહેરના રામમંત્ર મંદિરથી સંસ્કાર મંડળ તરફ જવાના રોડ પર કેટલીક જગ્યાએ ડ્રેનેજ કે અન્ય કામ માટે આરસીસી રોડ તોડી નાખવામાં આવ્યો છે તેથી વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. આ આરસીસી રોડ બે-ત્રણ વર્ષ પૂર્વે જ હજુ બનાવવામાં આવ્યો છે અને આરસીસી રોડમાં થીગડા મારવા મૂશ્કેલ હોય છે ત્યારે હાલ રોડ ખખધડજ જોવા મળી રહ્યો છે. મહાપાલિકા દ્વારા મોટા ઉપાડે આરસીસી રોડ બનાવવામાં આવે છે પરંતુ ત્યારબાદ તેની જાળવણી કરાતી નથી અને રીપેરીંગ પણ થતુ નથી ત્યારે ત્યારે શહેરમાં ડામર રોડ બનાવવા જાગૃત લોકો માંગણી કરી રહ્યા છે.