મનપામાં ભળ્યાને 6 મહિના થવા છતાં ઉત્તરસંડામાં પ્રાથમિક સુવિધાનો અભાવ
- 20 દિવસમાં નિરાકરણની કમિશનરની ખાતરી
- ડોર ટુ ડોર કચરા કલેક્શનનો અભાવ, સ્ટ્રીટ લાઈટો બંધ, 4 મહિનાથી ગટરો સાફ થઈ નથી
ઉત્તરસંડાના રહીશોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ઉત્તરસંડા નડિયાદ મનપામાં ભળ્યાને ૬ મહિના થવા છતાં સુવિધાનો અભાવ છે. છેલ્લા ચારેક મહિનાથી ઉત્તરસંડા ગ્રામ વિસ્તારમાં ગટરની સાફ-સફાઈ ન થવાને કારણે ગંદકીની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તાઓ પર ફેલાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની રોજબરોજની વ્યવસ્થાનો અભાવ હોવાથી ગામમાં કચરાના ઢગલા છે. સ્ટ્રીટ લાઇટોના રિપેરિંગને લગતા પ્રશ્નો પણ લાંબા સમયથી પડતર છે. ઘણી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે ગામમાં અંધારપટ છવાઈ જાય છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ સુવિધાઓમાં સુધારો થવાના બદલે પરિસ્થિતિ વધુ વણસી છે. આગામી ૨૦ દિવસમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે અને ઉત્તરસંડા ગામમાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેવી કમિશનરે ખાતરી આપી હતી.