એસટી તંત્ર એ ગામ બહારથી બસો દોડાવવાનો નિર્ણય લેતા નગરપાલિકા તંત્ર દોડતું થયું
બગોદરા : અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે હાર્દસમાન મેનાબેન ટાવર ચાર રસ્તાથી ચૂઈ ફળી જકાતનાકા સુધીનો રોડ વરસાદના કારણે ધોવાઈ ગયો હતો અને રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા એસટી તંત્ર દ્વારા તા. ૦૮ જૂનથી અમદાવાદ અને ગાંધીનગરની બસોનું સંચાલન ગામ બહાર આવેલ પાશ્વનાથ હોસ્પિટલ પિક અપ સ્ટેન્ડથી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ આજરોજ તા. ૦૮/૦૭/૨૦૨૫ મંગળવારે સવારે ૧૧ વાગે ધોળકા નગરપાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું અને આ ધોવાઈ ગયેલા રોડને હાલ સમથળ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. વરસાદ બંધ થયા બાદ ઉઘાડ નીકળતા મેનાબેન ટાવર થી ચૂઈફળી જકાત નાકા સુધી મજબૂત રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.