Gujarat

વાડીઓમાં રખોપું કરવા આવેલા મોટીમારડના શખ્સે ફાયરિંગ કર્યું'તું

By GS TEAM
16 Dec 20252 mins read
વાડીઓમાં રખોપું કરવા આવેલા મોટીમારડના શખ્સે ફાયરિંગ કર્યું'તું

ગોસા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

બનાવ બાદ ગાયબ થઈ જતાં એલ.સી.બી.એ સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતેથી પકડી પાડયોઃ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર

પોરબંદર: પોરબંદરના ગોસા ગામની બેટી સીમમાં એક યુવાન ટ્રેકટર લઈને જતો હતો ત્યારે કોઈએ તેના ઉપર ફાયરિંગ કરતા તેનું મોત થયું હતું. આ ગુનાનો ભેદ ઉકેલીને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સુરેન્દ્રનગરના દુધરેજ ખાતેથી આરોપીને પકી પાડયો છે. ખેતરનું રખોપું કરવા આવેલા આ ઈસમે ફાયરિંગ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.તેને કાર્ટમાં રજૂ કરતા તેના ૩ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

ગોસા ગામે વીસાણા ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા કાનાભાઈ નાથાભાઈ ઓડેદરા નામના પ્રૌઢ દ્વારા તેના નાનાભાઈ ભરત (ઉ.વ.૪૩)ના મૃત્યુ અંગેનો અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના પી.એમ. રિપોર્ટ બાદ કોઈ અજાણ્યા ઈસમે દેશી હાથ બનાવટની બંદૂકથી કરેલા ફાયરીંગને કારણે ભરતનું મોત થયાનું બહાર આવતા અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

એલ.સી.બી. ટીમે આરોપી બાબતે તપાસ કરતા ગુનામાં ગોસા ગામ વાડી વિસ્તારમાં વાડીઓમાં રખોપું કરવા માટે ગામ લોકો દ્વારા બે ઈસમ ધોરાજી તાલુકાના મોટી મારડના રહેવાસી કાકા ભત્રીજા કાસમ જુમાભાઈ ખારી તથા સાજણ ખારી રૂા. ૯૦ હજાર આપી રખોપું કરવા માટે સીમમાં રાખવામાં આવ્યા હતાં. બંને ઈસમો મર્ડરના બનાવમાં શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરી બંને ઈસમો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાં છુપાયેલ હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ કાંઠે આવેલ ઝુપડપટ્ટીમાંથી કાસમ (ઉ.વ.૨૫) ને ઝડપી પાડયો છે. પુછપરછ કરતા ગુનાની કબુલાત આપી પોતે પોતાની જામગરી બંદૂકથી ફાયરીંગ કરેલ હોવાની હકીકત જણાવી હતી. તથા દેશી જામગરી બંદૂક તેના કાકા સાજણ ખારાએ તેને આપી હોવાનું જણાવ્યું હતું. આરોપીને નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના ૩ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.