વિધાનસભામાં પ્રશ્નો પૂછવામાં પક્ષપલ્ટુ MLA રંગબદલુ બન્યા !
સૌથી વધુ સવાલો કોંગી ધારાસભ્યના, શાસકોને મન સબ સલામત : મોઢવાડિયા- લાડાણીએ ગત સત્રમાં કોંગ્રેસમાંથી સરકારની પોલ ખોલતા પ્રશ્નો પુછ્યા હતા, આ વખતે સંખ્યા અને પધ્ધતિમાં તફાવત : સોરઠના નેતાલોગનું સરવૈયું: વિધાનસભામાં કુતિયાણા અને કેશોદના ધારાસભ્ય મૌન રહ્યા
જૂનાગઢ, : હાલમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તા. 19 ફેબ્રુઆરીથી શરૂથયેલું સત્ર 28 માર્ચ સુધી ચાલવાનું છે. સત્ર દરમ્યાન પક્ષપલ્ટુ ધારાસભ્યમાં અગાઉની જેમ વિધાનસભામાં સવાલો પૂછવાની હિંમત પણ ઘટી જતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા બાદ પ્રશ્ન પૂછવાની ધારાસભ્યની પધ્ધતિમાં પણ ફેરફાર થઈ જાય છે. સોરઠના 10 ધારાસભ્યમાંથી સૌથી વધુ પ્રશ્ન પૂછવામાં વિપક્ષ કોંગ્રેસના એમએલએ આગળ રહે છે, જ્યારે ભાજપના ધારાસભ્ય પ્રજાને સ્પર્શતા મહત્વના પ્રશ્નોને બદલે સરકારની વાહવાહી કરતા પ્રશ્ન પૂછી સંતોષ માની લે છે. 10માંથી 2 ધારાસભ્યએ તો એકપણ પ્રશ્ન પૂછવાની હિંમત પણ નથી દાખવી.
જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાની કુલ 11 વિધાનસભાની બેઠકોમાંથી વિસાવદરની એક બેઠક ખાલી છે. તેને બાદ કરતા જૂનાગઢ જિલ્લામાં કુલ વિધાનસભાની ચાર બેઠક ભાજપ પાસે છે. ગીર-સોમનાથ જિલ્લાની 4માંથી ત્રણ બેઠક ભાજપ પાસે છે જ્યારે સોમનાથ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના વિમલ ચુડાસમા ધારાસભ્ય છે. પોરબંદર જિલ્લાની બે બેઠકમાંથી કુતિયાણા વિધાનસભાની એક બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા ચૂંટાયેલા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે વિધાનસભાના સત્ર દરમ્યાન સરકારને પ્રશ્ન પૂછવાનો મારો ચલાવતા હતા. સરકારની પોલ ખોલતા પ્રશ્નો પૂછી સરકારને ભીસમાં લેવા સતત પ્રયત્ન કરતા હતા. હવે પ્રશ્ન પૂછવાની પધ્ધતિ અને પ્રશ્ન પૂછવાની સંખ્યામાં પણ ઘટાડો થઈ ગયો છે. અર્જુન મોઢવાડીયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ગત વિધાનસભાનાં એક જ સત્રમાં તેમણે 190 પ્રશ્નો પૂછ્યા હતા. તેવી જ રીતે અરવિંદ લાડાણીએ 161 પ્રશ્ન પૂછ્યા હતા. આ વખતે ભાજપમાં આવી ગયા બાદ લાડાણીએ અત્યાર સુધીમાં એક સત્રમાં માત્ર 21 પ્રશ્ન પૂછી સંતોષ માની લીધો છે, જ્યારે મોઢવાડીયાએ એક સત્રમાં 123 પ્રશ્નો પૂછ્યા છે.
ત્રણેય જિલ્લાની કુલ 10 બેઠકોમાંથી હાલનાં સત્રમાં અત્યાર સુધી સૌથી વધુ પ્રશ્ન પૂછવામાં સોમનાથ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા મોખરે રહ્યા છે. કેશોદના ભાજપના ધારાસભ્ય દેવા માલમ અને કુતિયાણા બેઠકના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ અગાઉના કે હાલનાં સત્રમાં એકપણ તારાંકિત પ્રશ્ન પૂછ્યો નથી, જ્યારે એ સિવાયના ભાજપના તમામ ધારાસભ્યોએ સરકારની પોલ ખોલતા પ્રશ્નો પૂછવાને બદલે સરકારની વાહવાહી કરતા પ્રશ્નો પૂછવા મજબુર બનવું પડતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જૂનાગઢ, માંગરોળ, માણાવદર, તાલાળા, પોરબંદર, ઉના, કોડીનારના ધારાસભ્યો વિવિધ યોજનામાં કેટલી સરકારી સહાય મળી તેવા પ્રશ્નો પૂછીને સંતોષ માની રહ્યા છે. પક્ષપલ્ટુ ધારાસભ્ય જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સવાલો પૂછવામાં પણ તેમનું વિપક્ષ તરીકેનું કામ ઉડીને આંખે વળગતું હતું, જ્યારે ભાજપમાં આવી જાય ત્યારે પ્રશ્ન પૂછવામાં પણ કહેવાતો શિસ્ત ભંગ ન થાય તેનું ધ્યાન રાખવા મજબુર બની જાય છે. જો સરકારની વિરૂધ્ધનો કે પોલ ખોલતો પ્રશ્ન પૂછાય તો મોવડી મંડળનો ઠપકો પણ સાંભળવો પડતો હોય તેવું રાજકીય તજજ્ઞાો કહે છે.