Get The App

સુરતનું કરોડપતિ મહેતા ફેમિલી ભૌતિક સુખને ત્યાગી દીક્ષા લેશે

Updated: Nov 11th, 2021


Google News
Google News
સુરતનું કરોડપતિ મહેતા ફેમિલી ભૌતિક સુખને ત્યાગી દીક્ષા લેશે 1 - image


-પરિવારમાં 11 વર્ષ પહેલા દીકરીની દીક્ષા બાદ ઘરનો માહોલ બદલાયો

સુરત

''આત્માને સુખી કરવો એ ધર્મ છે. એક ક્ષણ પણ આત્માને દુખી ન કરવો એ જૈન દીક્ષા. અમે કશું છોડી નથી રહ્યા પણ પકડવા જઇ રહ્યા છીએ.'' કરોડો રૃપિયાની સંપત્તિ અને સાધન સંપન્ન સુરતનો મહેતા પરિવાર સંગાથે સંયમ માર્ગે જઇ રહ્યો છે ત્યારે પરિવારના મોભી વિપુલભાઇએ ઉપરોક્ત શબ્દો કહ્યા હતા. સુરતમાં થનારા ૭૪ સામૂહિક દીક્ષા મહોત્સવમાં વિપુલભાઇ ધર્મસંગીની પત્ની અને બે યુવાન સંતાનો સાથે દીક્ષા ગ્રહણ કરશે.

૭૪ સામૂહિક દીક્ષા મહોત્સવમાં ૭૪ દીક્ષાર્થીઓમાં કુલ આઠ પરિવારો છે જે ઘરને તાળુ મારી દીક્ષા લેવાના છે. તેમાનો એક પરિવાર એટલે સુરતનો મહેતા પરિવાર. ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા ૫૬ વર્ષીય વિપુલભાઇ રસીકલાલ મહેતાનો આલિશાન ફ્લેટ હાલ સાદગી અને સાત્વિક્તાની સૌરભ ફેલાવી રહ્યો છે. પરિવારમાં સાથે થનારી દીક્ષાને લઇને ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. પત્ની સીમાબેન (ઉ.૫૧ વર્ષ) અને બે પુત્રો પ્રિયેન કુમાર(ઉ.૩૦) અને રાજકુમાર(ઉ.૨૦) સંયમના રસ્તે ચાલવા ઉતાવળા છે. પ્રિયેને ડિપ્લોમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગ કર્યુ છે જ્યારે રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરંતુ બંનેએ ગુરૃકુલવાસ દરમિયાન અનુભવ્યુ કે સાચુ શિક્ષણ સંયમ અને સાચુ સુખ પણ સંયમ જીવન જ છે. સીમાબેન અને વિપુલભાઇએ પણ ગુરૃકુલવાસ દરમિયાન આ અનુભવ કર્યો. વિપુલભાઇની અન્ય એક પુત્રીની ૧૧ વર્ષ પહેલા દીક્ષા થઇ હતી. જે હાલ શ્રી આર્હત્દર્શિતાશ્રીજી મ.સા. તરીકે સંયમ જીવન ગાળે છે. દીકરીની ઇચ્છા હતી કે સંયમ જીવનનો જે વૈભવ હું ભોગવી રહુ છુ એ સુખ એના પરિવારને પણ મળવુ જોઇએ. આખરે દીકરીના મનોરથ પુરા થઇ રહ્યા છે. ઘરમાંથી પ્રથમ દીક્ષા વખતે જ દરેકની અંદર દીક્ષાના બિજ રોપાઇ ગયા હતા. વિપુલભાઇએ કહ્યુ કે શ્રી યોગતિલકસૂરિશ્વરજી મહારાજા સાથે સહવાસથી આધ્યાત્મિક રીતે વિવિધ સોલ્યુશન મળતુ ગયુ અને દીક્ષાભાવ દ્રઢ થતો ગયો.  વાંચનના ભારે શોખીન વિપુલભાઇ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના અનેક લેખકોના પુસ્તકો વાંચ્યા છે. પણ વૈરાગ્ય જાગ્યો ત્યારે લાગ્યુ કે સંસારમાં દરેક જગ્યાએ કઇક અધુરપ છે. જૈનદર્શનમાં એ અધુરપ વિશે જાણ થઇ અને દીક્ષા માર્ગ વધુ મોકળો બન્યો.

વડીલ ભાવતુ ભોજન લાવે તો આખા પરિવારને જમાડે

આખા પરિવારને દીક્ષા લેવાનો વિચાર કેમ આવ્યો ? ના જવાબમાં વિપુલભાઇએ કહ્યુ કે વડીલ ઘરમાં ભાવતી વસ્તુ લાવે તો એકલો ન ખાય આખા પરિવારને આપે અને પરિવારને ગમે તો એ ખાય. આ બધાના જ આત્માનું સ્પંદન છે. સંગાથે સંયમ માર્ગે જવાનો અવસર મળવો એ પણ ભાગ્યની વાત છે. ગુણથી જ સુખી થવાય છે. યોગતિલકસૂરિશ્વરજી મહારાજાની ક્ષમતા છે કે એ બિજમાંથી વટવૃક્ષ બનાવી શકે છે.


Tags :