મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની જામીન અરજી મેટ્રો કોર્ટે ફગાવી
આરોપી પર ગુનો સાબિત થાય તો 7 વર્ષની સજા સુધીની જોગવાઈ
અમદાવાદઃ ક્રાઈમ બ્રાંચે મહાઠગ કિરણ પટેલના વિઝિટીંગ કાર્ડ અને મોબાઈલ ફોનના સીમકાર્ડની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આજે તેની પત્ની માલિની પટેલની જામીન અરજી પર મેટ્રો કોર્ટમાં સુનાવણી થઈ હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટમાં ગઈકાલે માલિની પટેલની જામીન અરજી પર બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલની દલિલ સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જેમાં આજે કોર્ટે માલિની પટેલની જામીન અરજી ફગાવી દીધી છે.
ગઈકાલે બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, આખા મામલામાં માલિની બેને કોઈ પૈસા લીધા નથી. સંપૂર્ણ ઘટનામાં તેમના દ્વારા ભાગી જવાનો પણ પ્રયત્ન થયો નથી. ક્રાઇમબ્રાન્ચ દ્વારા માલિની પટેલને ફસાવવામાં આવી રહ્યા છે. આ મામલો સિવિલ કેસ હોવા છતાં માલિની પટેલ પર ક્રિમિનલ કેસ કરાયો છે. ફરિયાદી જગદીશ ચાવડા પોતે આરોપી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ પોલીસ મથકે ફરિયાદી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 199 અને 200 નંબરની એફઆઈઆર ફાઈલ થયેલ છે. ફરિયાદી પર 467 અને 468 કલમ અંતર્ગત ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદની નકલ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી છે.
હાઇકોર્ટે ફરિયાદીને 10 હજાર રૂપિયા કોર્ટમાં જમા કરાવવા કહ્યું હતું. ફરિયાદ જો ઘટનાના એક વર્ષ બાદ દાખલ કરવામાં આવી તો આટલું મોડુ ફરિયાદીએ કેમ કર્યું? જો ફરીયાદીએ 35 લાખ અમારા અસીલને આપ્યા તો પછી બે કરોડના ચેક કેમ લીધા તેનો કોઈ ખુલાસો તપાસમાં થયો નથી. ફરિયાદી બંગલાનો સોદો કરે છે, તે પોલીસ સમક્ષ અને કોર્ટ સમક્ષ ખોટું બોલે છે. ફરિયાદી સાંસદનો ભાઈ હોવાથી ખોટી રીતે વગ વાપરી રહ્યો છે. આ કેસ એક હાઇપ ક્રિએટ કરવા માટે ઉભો કરાયો છે.
બીજી તરફ સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપીએ પોતાનું ઘર ન હોવા છતાં વાસ્તુના કાર્ડ છપાવી સર્ક્યુલેટ કર્યા તે મિલકત પચાવી પાડવાનો સ્પષ્ટ ઈરાદો દર્શાવે છે. હાલના તબક્કે આરોપીને જામીન મુક્ત કરાતા તપાસને નુકશાન થઈ શકે છે. મેટ્રો કોર્ટમાં આજે માલિની પટેલની જામીન અરજી નિર્ણય સંભળાવતા જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે નોંધ્યું છે કે, નરોડા પોલીસ મથકે આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આરોપી જામીન મુક્ત થતા પુરાવા સાથે ચેડા કરે તેવી પુરી શક્યતા છે. આરોપી પર ગુનો સાબિત થાય તો 7 વર્ષની સજા સુધીની જોગવાઈ છે.