મુખ્યમંત્રી અને સંતો વચ્ચે દોઢ કલાલ સુધી ચાલી બેઠક, શું નિર્ણય લેવાયો તેની કોઈ સ્પષ્ટતા નહીં
વજુભાઈ વાળાએ કહ્યું હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ મૂર્તિ વિશેનો નિર્ણય સંતો કરશે
અમદાવાદઃ સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વકરેલો વિવાદ વધુ ગાજ્યો છે. સંતોની મળેલી બેઠકમાં સમગ્ર બાબતનો કોઈ ઉકેલ નહીં આવતાં હવે આ મુદ્દો વધુ જટીલ બની રહ્યો છે. ભીંતચિત્રો પર કાળો કૂચો મારીને ફટકા મારવાની ઘટના બાદ મંદિર પરિસરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા નાથ સંપ્રદાયના સંત ગેબીનાથજીની અભદ્ર ટિપ્પણી કરાતા સમગ્ર નાથ સંપ્રદાયમાં રોજ ભભુકી ઉઠ્યો છે. બીજી તરફ હવે આ મામલે સરકાર પણ મેદાનમાં ઉતરી ગઈ છે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંતો સાથે બેઠક થઈ હતી.
તમામ સંતોએ મુખ્યમંત્રી સાથે વિવાદને લઈને ચર્ચાઓ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા. તમામ સંતોએ મુખ્યમંત્રી સાથે વિવાદને લઈને ચર્ચાઓ કરી હતી. સંતો અને મુખ્યમંત્રી વચ્ચેની આ બેઠક પૂર્ણ થતા સંતો રવાના થયા હતા. દોઢ કલાકની આ બેઠકમાં શું નિર્ણય લેવાયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વજુભાઈએ કહ્યું હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ
વિવાદનો ઉકેલ નહીં આવતા મંદિર પરિસરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 5 DySP, 10 PI, 8 PSI, 275 પોલીસ, 2 SRPની ટીમ, 115 GRD અને હોમગાર્ડ ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. બીજી તરફ ભાજપના વરિષ્ઠ આગેવાન વજુભાઈ વાળાએ આ વિવાદને લઈને કહ્યું હતું કે, હનુમાનજી સૌના વડીલ છે. હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ. હું ભારતીય સંસ્કૃતિના સંપ્રદાય સાથે છું. મૂર્તિ વિશેનો નિર્ણય સંતો કરશે.