Get The App

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મુકાબલા રોમાંચક બન્યા

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મુકાબલા રોમાંચક બન્યા 1 - image


National Ranking Table Tennis Championship : વડોદરા ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર 17 બોયઝ મુકાબલામાં જમ્મુ અને કાશ્મીરના આઠમો સીડ ધરાવતા ઋત્વિક ગુપ્તાએ ટોપ સીડેડ ખેલાડી ઓરિસ્સાના સાર્થક આર્યનને હરાવી જીત હાંસિલ કરી હતી. જ્યારે અંડર 17 ગર્લ્સ મુકાબલામાં ટોપ સીડેડ સિન્ડ્રેલા દાસ અને દિવ્યાંશી ભૌમિકએ ટોચના આઠમાં સામેલ અન્ય બે ખેલાડીઓ સાથે પ્રિ ક્વૉટર ફાઈનલ પાર કરી ટાઈટલની દાવેદારી જીવંત રાખી હતી.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 8 થી 15 ઓગસ્ટ સુધી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરાયું છે. દેશભરમાંથી 1650 ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પોતાની કિસ્મત અજમાવવા પ્રવેશ મેળવ્યો હતો. વડોદરામાં તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું છે.  મંગળવારે યોજાયેલ મેચોમાં અથર્વએ હિમોન મંડલને 3-0થી હરાવ્યો અને એમ. નિખિલ મેનને વિશ્રુત રામકૃષ્ણનને 11-4, 15-13, 11-6થી હરાવ્યો હતો. હરિયાણાના ખેલાડી સાહિલે હિંમતનો પરિચય આપતા મેચમાં ડગમગ્યા બાદ વત્સલ ડુકલાનને 3-2થી હરાવ્યો પરંતુ , સોહમે ધનંજય ઠાકુર સામેના નિર્ણાયક મુકાબલામાં 8-11, 11-4, 11-9, 14-16, 11-9થી જીત મેળવી હતી. તેમજ ગર્લ્સના મુકાબલામાં સિંડ્રેલાએ તન્મયી સાહાની ઉત્સાહપૂર્ણ શરૂઆતને દબાવી દીધી અને પહેલી ગેમમાં જોરદાર ટક્કર છતાં 3-0થી આગળ નીકળી ગઈ હતી. જ્યારે નાયશાએ દિવસની સૌથી લાંબી મેચોમાંની એકમાં તનિષ્કા કાલભૈરવને 13-11, 11-7, 12-14, 10-12, 11-5થી હરાવી હતી. અનન્યાએ ધીમી શરૂઆતથી સ્વસ્થ થઈને અદ્વિકા અગ્રવાલને 3-1થી હરાવી અને અહોનાએ શાનદાર વાપસી કરી અવિશા કર્માકરને 4-11, 11-4, 5-11, 11-7, 11-5થી હરાવી હતી. કાવ્યાએ પ્રથમ ગેમ હાર્યા બાદ પોતાની ધીરજનો પરિચય આપીને શ્રેયા ધરને 3-1થી હરાવી અને પ્રિશાએ શાનદાર અંતરથી મેચ જીતીને મનલ અંતાલને 13-11, 11-13, 13-11, 11-9થી હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવતા, તુષ્ટીએ માયરા સાંગેલકરને સીધી ગેમમાં હરાવી અને દિવ્યાંશીએ અન્વેષા દાસ પર 11-4, 11-2, 11-7થી વિજય મેળવ્યો હતો.

Tags :