સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો પડતા જ મુખ્ય સૂત્રધાર સ્થળ પરથી ભાગી ગયો

વડોદરા,દશરથમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૃના ગોડાઉન પર દરોડો પાડી પકડ.૨.૪૪ કરોડનો દારૃ કબજે કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, જ્યારે રેડ પડી ત્યારે મુખ્ય સૂત્રધાર થોડે દૂર જ ઉભો હતો. રેડ પડતા જ તે સ્થળ પરથી છોટા હાથી ટેમ્પો લઇને ફરાર થઇ ગયો હતો.
ત્રણ દિવસ પહેલા દશરથ ગામે બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને બિશ્નોઇ ગેંગનો ૨.૪૪ કરોડનો દારૃનો જથ્થો ઝડપી પાડી ચાર આરોપીને પકડી લીધા હતા. આ કેસમાં કુલ ૨.૬૯ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ કરતી પી.સી.બીં. પોલીસને એવી વિગતો જાણવા મળી છે કે, રેડ પડી ત્યારે મુખ્ય સૂત્રધાર રાજુરામ બિશ્નોઇ થોડે દૂર જ ઉભો હતો. રેડ પડતા જ તે છોટા હાથી ટેમ્પો લઇને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન બંધ થઇ ગયો હતો. પી.સી.બી પી.આઇ. સી.બી. ટંડેલે જણાવ્યું છે કે, તમામ આરોપીઓના મોબાઇલ ફોનની ડિટેલી મંગાવી છે. જેના આધારે આરોપીઓ કોના સંપર્કમાં કેટલા સમયથી હતા. તેની વિગતો જાણી શકાશે. આરોપીઓ જે ઘરમાં રહેતા હતા. તેનો ભાડા કરાર પણ કર્યો હતો. મુખ્ય સૂત્રધાર રાજુરામને પકડવા રાજસ્થાનની પોલીસને હજી સફળતા મળી નથી.









