Gujarat

સિહોરની રોલિંગ મીલના મેનેજરે બારોબાર 350 ટન લોખંડ વેચી દીધું

By GS TEAM
9 Nov 20252 mins read
સિહોરની રોલિંગ મીલના મેનેજરે બારોબાર 350 ટન લોખંડ વેચી દીધું

- સિહોર પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

- છેતરપિંડી પૈકી રૂ. 47 લાખ પરત આપ્યા, અનેકવાર ઉઘરાણી છતાં રૂ. 1.53 કરોડ પરત નહી આપતા ફરિયાદ થઈ

સિહોર : સિહોર જીઆઈડીસી-૧માં આવેલી રોલિંગ મીલના મેનેજરે અને પોતાના અન્ય સાથીદારો સાથે મળી દોઢ વર્ષના સમયગાળામાં રોલિંગ મીલમાંથી બારોબાર ૩૫૦ ટન લોખંડ વેચી દઈ રોલિંગ મીલ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાં અંગેની પોલીસ ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિહોર જીઆઈડીસી-૧માં આવેલી નવભારત સ્ટીલ રી-રોલિંગ મીલમાં મેનેજર તરીકે નોકરી કરતા મુળરાજસિંહ હરીચંદ્રસિંહ ગોહિલ (રહે.ટોડા ગામ, તા.સિહોર)એ સિહોર પોલીસ મથકમાં અમોલભાઈ ગીરીશભાઈ ગુજરાથી (રહે.કાળિયાબીડ), ભાવેશ ચૌહાણ, યોગેશ પરમાર, મેહુલ પંડયા (ત્રણેય રહે. ભાવનગર) અને વિશાલ સાટીયા (રહે.કરદેજ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત અમોલભાઈ તેમની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય જેઓની પાસે ઉત્પાદન અને વેચાણની જવાબદારી હતી. જ્યારે ભાવેશભાઈ, યોગેશભાઈ અને મેહુલભાઈ તેમની કંપનીમાંથી દલાલી પર લોખંડના વેચાણ કરાવતા અને વિશાલભાઈ સાટીયાના ટ્રાન્સપોર્ટમાંથી લોખંડ ભરવા માટે ગાડી મોકલતા હતા. પાંચેય લોકોએ મળીને દોઢ વર્ષના સમયગાળામાં બીલમાં લોખંડ ઓછું બતાવી અને ટ્રકમાં વધારે ભરી દોઢ વર્ષમાં કંપનીમાંથી આશરે રૂ. બે કરોડનું ૩૫૦ ટન લોખંડ બારોબાર વેચી દીધું હતું. સમગ્ર હકીકત બહાર આવતા મેહુલભાઈએ તેમના ભાગમાં આવેલા રૂ.૩૫ લાખ જમા કરી દીધાં હતા પરંતુ મેનેજર સહિત બાકીના ચારેયે અવાર-નવાર ઉઘરાણી છતાં તેમના ભાગની પુરી રકમ નહી આપી રૂ.૧.૫૩ કરોડની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધ્યો છે.

લોખંડના પૈસામાંથી અડધો ભાગ મેનેજરનો હતો

કંપનીમાંથી જેટલું વધારાનું લોખંડ બહાર નિકળે તેના જે પૈસા આવે તેમાં મેનેજરનો અડધો ભાગ નક્કી થયો હતો. દોઢ વર્ષમાં મેનેજરના ભાગે કુલ રૂ.૯૦ લાખ આવ્યા હતા અને ગાડીઓમાં બીલ કરતા વધારે લોખંડ ભરી મીલમાંથી બહાર કાઢવા માટે મેનેજર શનિવારે અને રવિવારે કંપનીમાં વહેલા આવી જતો હતો.