Gujarat

સાવરકુંડલાની શાન સમાન પૌરાણિક દરબારગઢ હવે નામશેષ થવાનાં આરે

By GS TEAM
8 Aug 20252 mins read
સાવરકુંડલાની શાન સમાન પૌરાણિક  દરબારગઢ હવે નામશેષ થવાનાં આરે

સ્થાપત્ય કલાના ઉતમ નમુના ઐતિહાસિક ઈમારત સમાન જોગીદાસ ખુમાણના દરબારગઢની જાળવણીના અભાવે  દુર્દશા : પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા માટે માંગ

સાવરકુંડલા, : સાવરકુંડલા શહેરમાં રાજા - રજવાડા કાળથી બનેલાં દરબારગઢ હાલ જાળવણીના અભાવે નામશેષ થવાના આરે છે. ત્યારે આ કિલ્લાને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં તો આવનારી પેઢીને પણ આવા કલાત્મક બાંધકામ જોવાનો અવસર મળી શકે તેમ છે. જાળવણીના અભાવે જોગીદાસ ખુમાણનાં દરબારગઢની હાલત દિન પ્રતિદિન દયનીય બની ગઈ છે. 

સાવર અને કુંડલા બન્ને વિભાગોમાં સૌથી ઊંચાઇ પર આવેલો દરબારગઢને એક સમયે ખુમાણ દરબારોનું નિવાસ માનવામાં આવે છે. સ્વરાજ મળ્યા બાદ ભાવનગરના મહારાજે આ દરબારગઢનો કબ્જે રાજ્ય સરકારને સોંપ્યો હતો. જેમાં 12 જેટલી કચેરીઓ કાર્યરત હતી. પરંતુ 2001ના ભૂકંપ પછી મોટાભાગની કચેરીઓનું સ્થળાંતર થવું છે. અને માત્ર બે જ કચેરીઓ રહી જવા પામી છે. 

વિશાળ જગ્યા ધરાવતાં અડીખમ ઉભેલા દરબારગઢમાં ભાવનગર મહારાજે બનાવેલું શિવાલય તથા ખોડિયાર માતાજીનું મંદિર તેમજ દરગાહ પણ આવેલી છે. શિવાલય નજીક જ વર્ષો પહેલાની કાચા કામના કેદીઓની પૌરાણિક જેલ પણ આવેલી છે. વર્ષો જૂનાં આ કલાત્મક બાંધકામમાં અઢળક મજબૂત લાકડાનો ઉપયોગ થયો છે. પરંતુ યોગ્ય સમાર કામ અને રંગરોગાનના અભાવે આ દરબારગઢ દિવસેને દિવસે બિહામણો બનતો જાય છે. 

સાવરકુંડલામાં બહાર ગામથી આવતાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર એવો આ દરબારગઢ હાલ ખંડેર અવસ્થામાં પરિવર્તિત થઇ રહ્યો છે. ત્યારે પ્રવાસન ક્ષમતા ધરાવતાં જોગીદાસ ખુમાણના આ દરબારગઢનું સમાર કામ કરી જોગીદાસ બાપુનું મ્યુઝિયમ તથા વોકિંગ માટે પણ થોડી જગ્યા ફાળવવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થઇ શકે તેમ છે.