રાજકોટ, : યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ-2માં ઉમિયાપાર્ક ચોક પાસે રહેતા એડવોકેટ મહેન્દ્રભાઈ દાદભાઈ વાળા (ઉં.વ. 48)એ સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલી, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તા સામે ઓનલાઈન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી પોતાની ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની વાતો કરી ઓનલાઈન સ્માર્ટ કોન્ટ્રાક્ટથી રોકાણ કરાવી રૂા. 38.30 લાખ ઓળવી ગયાની ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ Tron Link Pro માં સ્માર્ટ કોન્ટ્રાક્ટ બનાવ્યા બાદ એડવોકેટ સહિતને તે સ્માર્ટ કોન્ટ્રાક્ટના આધારે ટ્રોનમાં રોકાણ કરવા જણાવ્યું હતું અને રોકાણ કરવાથી ૧૫૦ દિવસ સુધી બે ટકા વળતર રોજ મળશે તેવી લોભામણી સ્કીમ આપી હતી. આથી એડવોકેટ સહિતના લોકોએ અલગ અલગ સમયે અલગ અલગ રકમનું રોકાણ કર્યુ હતું.
જે પૈકી એડવોકેટ મહેન્દ્રભાઈએ કુલ રૂા. 52,20,100નુંરોકાણ કર્યુ હતું. દરમિયાન એડવોકેટે અલગ અલગ સમયે રૂપિયા પરત માંગતા આરોપીઓએ રૂા. 13,90,00 પરત આપ્યા હતા. જ્યારે રૂા. 38,30,100 રોકાણ હોવાથી આરોપીઓએ તેના વોલેટ જમા કરી તેમાં પ્રથમ રોજે રોજ બે ટકા વળતર રૂપે ટ્રોન જમા કર્યુ હતું. બાદમાં આરોપીઓએ પોતે પોતાના મેગાટ્રોન (ક્રિપ્ટો કરન્સી) બહાર પાડવાના હોવાનું જણાવી તે મેગાટ્રોન લોન્ચિંગનો ઉદયપુરમાં ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.
દરમિયાન આરોપીઓએ એડવોકેટ સહિતના રોકાણકારોને ટ્રોન અને મેગાટ્રોન કિંમત સરખી જ હશે, તેવો વિશ્વાસ અપાવી મેગાટ્રોનમાં તેમના ટ્રોન ટ્રાન્ફર કર્યા હતા અને તેના વળતર રૂપે 50 ટકા ટ્રોન અને 50 ટકા મેગાટ્રોન આપવાનું કહી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઈન મેગાટ્રોનમાં ફેરવ્યા હતા. પરંતુ મેગાટ્રોનની કિંમત રૂા.00.001 થઈ જતાં આરોપીઓએ તમામ રોકાણકારોની રકમ ઓળવી જઈ ઠગાઈ કરી હતી.


