Get The App

અલંગમાં છેલ્લા એક દાયકામાં જાન્યુઆરીમાં સૌથી ઓછા શિપ ચાલુ વર્ષ-2025 માં આવ્યા

Updated: Feb 8th, 2025

GS TEAM


Google News
Google News
અલંગમાં છેલ્લા એક દાયકામાં જાન્યુઆરીમાં સૌથી ઓછા શિપ ચાલુ વર્ષ-2025 માં આવ્યા 1 - image


- જાન્યુઆરી- 2925 માં અલંગમાં માત્ર 10 શિપ બીચ થયા, 10 વર્ષમાં શિપની સંખ્યામાં 72 ટકાનો ઘટાડો

- અલંગમાં વર્ષ-2016 ના જાન્યુઆરી માસમાં રેકોર્ડ 36 શિપ આવ્યા બાદ છેલ્લા એક વર્ષથી શિપની સંખ્યામાં સતત ડાઉનફોલ ચિંતાજનક

ભાવનગર : ગોહિલવાડની આર્થિક કરોડરજ્જૂ એવો અલંગનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ દિવસેને દિવસે નબળો પડી રહ્યો હોય તેવું આંકડાઓ પરથી ફલિત થઈ રહ્યું છે. વર્ષ-૨૦૨૫માં અલંગના વિકાસ અને શિપ રિસાયકલિંગ ઉદ્યોગના સુર્યોદયની વાતો તથા આશાવાદ વચ્ચે અલંગમાં ચાલુ વર્ષની શરૂઆત નબળી રહી છે. અલંગમાં છેલ્લા એક દાયકાના જાન્યુઆરી માસમાં આવતા શિપોની સંખ્યામાં ૭૨ ટકાનો ઘટાડો થયો છે.

શિપ રિસાકલિંગ, રી-રોલિંગ મીલ, પ્લાસ્ટીક અને હીરા ઉદ્યોગ ભાવનગર જિલ્લાના મુખ્ય ઉદ્યોગો છે. આ ચારેય ઈન્ડસ્ટ્રીઝમાંથી જિલ્લાના લાખો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મેળવે છે પરંતુ આ ચારેય ઉદ્યોગોમાં હાલ મંદીનો માહોલ પ્રવર્તેલો હોવાથી તેની સીધી અસર ભાવનગર જિલ્લાના અર્થતંત્ર પર દેખાઈ રહી છે. તેમાં પણ ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે વર્ષ-૨૦૨૫ની શરૂઆત ધીમી રહી છે. વર્ષ-૨૦૨૫ના જાન્યુઆરી માસમાં અલંગમાં માત્ર ૧૦ શિપ બીચ થયાં છે. જે છેલ્લા એક દાયકમાં સૌથી ઓછા છે. વર્ષ-૨૦૧૬ના જાન્યુઆરી માસમાં અલંગમાં ૩૬ શિપ આખરી સફરે આવ્યા હતા. જેમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે, વર્ષ-૨૦૧૬ના જાન્યુઆરી માસની સરખામણીએ ચાલુ વર્ષના જાન્યુઆરી માસ સુધીમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં ૭૨.૨૩ ટકાનો ઘટાડો થયો છે. અલંગમાં છેલ્લા એક દાયકાના જાન્યુઆરી માસમાં ચાલુ વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં સૌથી ઓછા શિપ આવ્યા છે. વર્ષ-૨૦૧૬થી અલંગમાં આવતા શિપોની સંખ્યામાં જોવા મળી રહેલો ડાઉનફોલ જિલ્લાના અર્થતંત્ર માટે ચિંતાજનક છે. હોંગકોંગ કન્વેન્શન લાગુ થાય અને યુરોપિયન યુનિયનની માન્યતા મળ્યા બાદ તેજી આવશે તેવા આશાવાદ  વચ્ચે હાલ અલંગનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ ધીમી ગતિએ ચાલી રહ્યો છે ત્યારે આ ઉદ્યોગમાં ફરી પ્રાણ ફૂંકાય તે આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, અલંગમાં કુલ ૧૩૧ પ્લોટ છે પરંતુ હાલ માત્ર ૨૫ થી ૩૦ પ્લોટ જ કાર્યરત છે ત્યારે અલંગ ફરી તેની પુર્ણ ક્ષમતા સાથે ધમધમતું થાય તો જ ભાવનગર શહેર અને જિલ્લામાં વિકાસનો સુર્યોદય થશે અને ધંધા રોજગાર માટે ભાવનગરના લોકોની રાજ્યના અન્ય મોટા શહેરોમાં થતી હિજરત થતી અટકશે.

અલંગમાં છેલ્લા 10 વર્ષના જાન્યુઆરી માસમાં આવેલા શિપ

વર્ષ

શીપ

૨૦૧૬

૩૬

૨૦૧૭

૨૮

૨૦૧૮

૩૨

૨૦૧૯

૨૨

૨૦૨૦

૩૨

૨૦૨૧

૨૬

૨૦૨૨

૧૩

૨૦૨૩

૧૬

૨૦૨૪

૧૫

૨૦૨૫

૧૦

કુલ

૨૩૦

Tags :