Get The App

વરસાદી માહોલમાં થયેલી સિંહોની ગણતરી પર કાયમી પ્રશ્નાર્થ રહેશે

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
વરસાદી માહોલમાં થયેલી સિંહોની ગણતરી પર કાયમી પ્રશ્નાર્થ રહેશે 1 - image


વર્ષ 2000માં વરસાદના કારણે ગણના બંધ રહી હતી  : તમામ સિંહોનો ગણતરીમાં સમાવેશ થઈ શકે એ માટે પાણીનાં કૃત્રિમ પોઈન્ટનો ઉદ્દેશ મુખ્ય હોય છે પરંતુ તે જ ન જળવાયો

જૂનાગઢ, : આજથી શરૂ થયેલો સિંહોની ગણતરીનો આખરી તબક્કો આવતીકાલે બપોરે 2 વાગ્યે પૂર્ણ થઈ જશે. 25 વર્ષ પહેલા સિંહ ગણતરી સમયે જ કમોસમી વરસાદ થતા એક વર્ષ ગણતરી પાછી ધકેલાઈ હતી. આ વખતે ગણતરીના ચાર-પાંચ દિવસ પૂર્વેથી કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. નિષ્ણાંતોના મત મુજબ ખરા અર્થમાં આવી સ્થિતિ વચ્ચે ગણતરી મોકૂફ રાખવી જોઈએ પરંતુ એમ થયું નથી ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે થયેલી ગણતરીમાં સામે આવનારા સિંહોની સંખ્યાના આંકડા પર સવાલો ઉભા થતા રહેશે.

દર પાંચ વર્ષે યોજાતી ગણતરીમાં છેલ્લા બે વખતથી કંઈક ને કંઈક વિઘ્ન આવ્યે રાખે છે. વર્ષ 2020માં કોરોના આવ્યો, વર્ષ 2025માં ભર ઉનાળે યોજાયેલી ગણતરીમાં ધોધમાર વરસાદ આવ્યો છે. કોરોના સમયે ગણતરી બંધ રાખી પૂનમ અવલોકનના આધારે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે સિંહોના વસવાટવાળા તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાના કારણે ગણતરી કરવી પડકારજનક અને મુશ્કેલ બની ગઈ છે. સિંહોની ગણતરી દરમ્યાન સાચી સંખ્યા બહાર આવે તે ઉનાળો જ પસંદગીનો મુખ્ય સમય છે એટલા માટે જ શિયાળામાં કે ચોમાસામાં ગણતરી થતી નથી. ઉનાળામાં ગણતરી કરવાનું મુખ્ય કારણ એ છે કે, સિંહોને કુદરતી પાણીને બદલે પાણીના કૃત્રિમ પોઈન્ટ પર નિર્ભર રહેવું પડે છે અને ગણતરીકારો પાણીના તમામ સ્ત્રોત પર નજર રાખે એટલે મોટાભાગના સિંહોનો ગણતરીમાં સમાવેશ થઈ જાય છે. વરસાદના કારણે સમગ્ર ગીર ઉપરાંત સિંહોના વસવાટવાળા બહારના વિસ્તારમાં પણ ચોમાસુ માહોલ થઈ ગયો છે, જેના કારણે અનેક સિંહો ગણતરીની બહાર રહી જાય તેવી પુરેપુરી શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વર્ષ 2000માં આવી જ સ્થિતિ થઈ હતી જેના કારણે સિંહોની ગણતરી બંધ રાખી વર્ષ 2001માં ઉનાળાના સમયે ગણતરી કરવામાં આવી હતી. આ વખતે પ્રથમ તબક્કાની ગણતરી શરૂ થઈ ત્યારે અને તે પહેલા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ હતો જેના કારણે નિષ્ણાંતોને હતું કે કદાચ ગણતરી મોકૂફ રાખવામાં આવે પરંતુ તેવું ન થયું. આજે બીજા તબક્કાની ગણતરી શરૂ થઈ ત્યારે પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છતાં પણ વનતંત્રએ ગણતરી ચાલુ જ રાખી છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદના કારણે પ્રથમ તબક્કાની ગણતરીમાં પહોંચવું અશક્ય જેવું હતું, તેવું જ આખરી તબક્કામાં પણ અનેક સ્થળો પર થયું છે. આવી સ્થિતિના કારણે જે આંકડા જાહેર થાય તેના પર કાયમી માટે સવાલો ઉભા થતા રહેશે કે, અનેક સિંહો ગણતરીમાં આવી શક્યા નથી, ગણતરી પર જ સવાલો ઉભા થાય તેમ વન વિભાગના કેટલાક નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓ પણ માની રહ્યા છે.

સરકાર માટે ગૌરવની સાથે ચિંતાનો પણ વિષય નાનકડાં ગીરમાંથી સિંહોનો વ્યાપ હવે સૌરાષ્ટ્રભરમાં : વર્ષ 1990માં સિંહો માત્ર 6600 ચોરસ કિ.મી. વિસ્તારમાં હતા, હવે 35,000 ચોરસ કિ.મી.માં

જૂનાગઢ, સિંહોની વસ્તી ગણતરી ચાલી રહી છે. અગાઉની ગણતરીઓના આંકડા મુજબ સિંહોની સંખ્યા અને તેના વિસ્તારમાં સતત વધારો નોંધાયો છે. આ વખતે ગણતરીમાં સિંહોનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. હવે સંખ્યામાં કેટલો વધારો દર્શાવે છે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. છેલ્લી 7 ગણતરીના ડેટા પર નજર કરીએ તો સિંહોના વિસ્તારમાં ખુબ મોટો વધારો થયો છે. 6600 ચોરસ કિલોમીટરમાંથી 35,000 ચોરસ કિલોમીટરે સિંહોનો વ્યાપ પહોંચ્યો છે. જેમ જેમ સિંહોની સંખ્યા વધતી જાય છે તેમ તેનો વિસ્તાર પણ વધે છે.

જંગલ સિવાય બહારનો વિસ્તાર સિંહો માટે જોખમી પણ છે. જેમાં વીજ કરંટ, ખુલ્લા કુવા, રોડ અકસ્માત, ટ્રેન અકસ્માત, ફાંસલા સહિતના અનેક જોખમ મંડરાયેલા છે. વન વિભાગ સિંહોની વસ્તીની સાથે વિસ્તાર વધી રહ્યો છે તે વન વિભાગ માટે ગૌરવ સાથે ચિંતાનો વિષય પણ તેટલો જ છે. રેવન્યુ વિસ્તારમાં અનેક સિંહો કમોતે મરી રહ્યા છે. બહારના વિસ્તારમાં સિંહોના કમોત અટકાવવા વન વિભાગ માટે એક પડકાર બની ગયો છે. હાલમાં ચાલી રહેલી સિંહોની ગણતરીમાં વન વિભાગ સિંહોની સંખ્યાનો આંક ક્યાં પહોંચાડશે તે અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Tags :