તારાપુર ચોકડીની ન્યૂ માયા હોટેલનો પરવાનો તાત્કાલિક અસરથી રદ
- વીડિયો વાયરલ બાદ એસટી નિગમ દ્વારા
- હોટેલના ભોજનમાં મરેલી ગરોળી નીકળતા ડ્રાઈવરને ઉલટીઓ થતા સારવાર લેવી પડી હતી
એસ.ટી.નિગમ દ્વારા અમરેલી - ફેદરા- વડોદરા હાઈવે પર હોટલ ન્યુ માયા ઇસરવાડા તારાપુર ખાતે બસોમાં મુસાફરોની પ્રાથમિક સુવિધા જળવાઈ રહે તે હેતુસર હાઇવે હોટલની નિયુક્ત કરેલા કરારની તમામ શરતો અને જોગવાઈઓને આધિન પસંદગી કરવામાં આવેલી હતી.
ન્યુ માયા ઈસરવાડા હોટલ ખાતે તા. ૩૦ જૂન ૨૦૨૫ના રોજ અંદાજિત રાત્રે ૧ કલાકની આસપાસ હાઇવે હોલ્ટ કરેલી રૂટ ઉપલેટા- કવાંટ બસ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું. જ્યાં ડ્રાઇવર કંડક્ટર જમવા બેસેલા હતા. ત્યારે ડ્રાઇવરની જમવાની ડીશમાં ગરોળી જોવા મળેલી હતી. આ અંગેનો વીડિયો પણ વાઈરલ થયો હતે. જે ખૂબ જ ગંભીર બાબત હોવાથી તાત્કાલિક એસ.ટી વિભાગના અધિકારી દ્વારા આ બાબતની તપાસ હાથ ધરી ચકાસણી કરાતા બનાવવાની વિગતો સાચી જણાઈ આવી હતી. આરોગ્ય સાથે ચેડાં થતા જણાતા હોટલ ન્યુ માયા ઇસરવાડા, તારાપુરનો હાઇવે હોટલનો પરવાનો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો હોવાનું નડિયાદ વિભાગના વિભાગીય નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
હોટેલમાં 3 બાળ મજૂરો અને 2 ઘરેલું ગેસ સિલિન્ડર પણ મળ્યા
તારાપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, ફૂડ વિભાગ, મામલતદાર કચેરી તથા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સંયુક્ત તપાસ કરતા તારાપુર ઇસરવાડા હાઈવે પરની ન્યૂ માયા હોટલમાં ૩ બાળ મજૂરો મળી આવ્યા હતા. સાથે હોટલમાંથી કોમશયલ તરીકે ઉપયોગમાં લેવાતા બે ઘરેલું ગેસના સિલિન્ડર પણ મળી આવતા જપ્ત કરી ન્યૂ માયા હોટલના સંચાલકો પર કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
તારાપુર પાલિકાએ હોટેલને સીલ કરી : પ્રથમ સીલથી સંચાલકોમાં ફફડાટ
વાઇરલ વીડિયો બાબતે તારાપુર નગરપાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે ન્યૂ માયા હોટલ પર પહોંચી રસોડા સહિત આખી હોટલની તપાસ હાથ ધરી હોટેલને સીલ કરાઇ હતી. નગરપાલિકા બન્યા બાદ તારાપુરમાં પહેલી વાર હોટલ સીલ કરાતા હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.