શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે
- બોરતળાવ 43 ફૂટે ભરાશે, માત્ર અડધો ફૂટ ખાલી
- બોરતળાવમાં ઉપરવાસમાંથી 1.4 ફૂટ પાણીની આવક શરૂ
છેલ્લા કેટલાક દિવસથી વરસાદ નથી પરંતુ તેમ છતાં બોરતળાવના ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ છે, જેના પગલે બોરતળાવની સપાટી સતત વધી રહી છે. શહેરના બોરતળાવની સપાટી હાલ ૪ર.૬ ફૂટે પહોંચી છે અને બોરતળાવમાં હાલ ૧.૪ ફૂટ પાણીની આવક શરૂ છે તેથી હજુ સપાટી વધવાની શકયતા છે. બોરતળાવની કુલ સપાટી ૪૩ ફૂટ છે તેથી આશરે અડધો ફૂટ બોરતળાવ ખાલી છે. વરસાદ નહીં હોવાથી બોરતળાવમાં હાલ પાણીની ધીમી આવક શરૂ છે.
પાણીની આવક યથાવત રહેશે તો આગામી પાંચ દિવસમાં બોરતળાવ ભરાય જવાની સંભાવના છે અને જો સારો વરસાદ આવશે તો બોરતળાવ વહેલા પણ ભરાય શકે છે તેમ માહિતી આપતા મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યુ હતું. બોરતળાવ છલકાય તેની લોકો આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.
ખોડીયાર તળાવની સપાટી 27.2 ફૂટે પહોંચી
ભાવનગર જિલ્લાના રાજપરા ખોડીયાર તળાવ વિસ્તારમાં પણ વરસાદ નથી પરંતુ પાણીની ધીમી આવક શરૂ છે, જેના પગલે તળાવની સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. રાજપરા ખોડીયાર તળાવની કુલ સપાટી ૩૦.૬ ફૂટ છે અને હાલ ર૭.ર ફૂટ સપાટી પહોંચી છે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે.