સુરત,તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
ક્રેડીટ કાર્ડમાંથી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની કામગીરી સોંપાયા બાદ વકીલના ક્રેડીટ કાર્ડમાંથી રૃા.46,500 ટ્રાન્સફર કરી લેવાતા ફરિયાદ નોંધાઇ છે.
સુરતના કાપોદ્રા ચીકુવાડી સ્નેહમિલન સોસાયટીમાં રહેતા યુવાન વકીલ નિરવભાઈ હીરાભાઈ સાવલીયા ત્રણ અઠવાડીયા અગાઉ પૈસાની જરૃર હોય પોતાના ક્રેડીટ કાર્ડમાંથી રૃ.46,500 પોતાના સ્ટેટ ઓફ ઇન્ડિયાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા મિત્ર શૈલેષ માણીનાના કહેવાથી તેના પરિચિત જીગ્નેશ ઉર્ફે જીગર ઠક્કરને પોતાના ક્રેડીટ કાર્ડની તમામ વિગતો આપી હતી. ઓટીપી સાથે ગુગલ પેનો નંબર અને બેંક એકાઉન્ટની વિગતો પણ નિરવભાઇએ વ્હોટ્સએપ મારફત આપી દીધી હતી. જીગ્નેશે બેન્ક એકાઉન્ટ અથવા તો ગુગલ પે માં પૈસા જમા થશે તેમ કહ્યું હતું. જોકે, નિરવભાઈના ક્રેડીટ કાર્ડમાંથી રૃ.46,500 કપાયા બાદ પણ તેમના બેન્ક એકાઉન્ટ કે ગુગલ પે માં રકમ જમા થઇ ન હતી. આથી તેમણે જીગ્નેશને ફોન કરતા થોડી વારમાં આવી જશે, હમણાં ટ્રાન્સફર થઇ જશે, કલાકમાં આવી જશે તેવા જુદાજુદા બહાના કાઢી ત્રણ અઠવાડીયા બાદ પણ રકમ ટ્રાન્સફર ન કરતા છેવટે જીગ્નેશ ઉર્ફે જીગર ઠક્કર વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

