Get The App

ધ્રાંગધ્રાના નરાળી ગામમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના નરાળી ગામમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી 1 - image

- કાશ્મીરમાં સરહદ પર ફરજ નિભાવતા બીમારીનો ભોગ બન્યા હતા

- આર્મી અધિકારીઓ, પરિવારજનો અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાઇ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની આર્મી જવાન મુલાળીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન નિધન થયું છે. દેશની રક્ષા કરતા શહીદ થયેલા જવાનના પાથવ દેહને તેમના વતન નરાળી ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.

જવાન વહાણભાઈ જમ્મુ-કાશ્મીર ખાતે સરહદ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેઓ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા. તેમની તબિયત વધુ ગંભીર બનતા તેમનું અવસાન થયું હતું. ફરજ દરમિયાન અવસાન થવાને કારણે તેમને શહીદનો દરજ્જો મળ્યો છે. શહીદ જવાનના પાથવ દેહને તેઓના માદરે વતન ધ્રાંગધ્રાના નરાળી ગામે અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં વીર શહીદ જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. 

ધ્રાંગધ્રાના કુડા ચોકડીથી લઈ નરાળી ગામ સુધીની આ અંતિમ યાત્રામાં પરિવાર અને કુટુંબીજનો સાથે સમસ્ત ગામ સ્વયંભૂ જોડાયું હતું અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં આર્મીના અધિકારીઓ, શહિદના પરિવારજનો સહિત ગામના આગેવાનો જોડાયા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાયો હતો. દેશની રક્ષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર આર્મી જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ હીબકે ચડતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.