Gujarat

જમીનના માલિકને અંધારામાં રાખી બારોબાર દસ્તાવેજ થઇ ગયો

By GS TEAM
19 Mar 20262 mins read
જમીનના માલિકને અંધારામાં રાખી બારોબાર દસ્તાવેજ થઇ ગયો

વડોદરા,વડસરમાં વર્ષ ૧૯૯૬ માં અંદાજે ૮૧ હજાર ફૂટ જગ્યા ખરીદનાર ત્રણ ભાગીદારોને અંધારામાં રાખી તેમની જમીનનો વેચાણ દસ્તાવેજ વર્ષ ૨૦૨૦માં થઇ ગયો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારેલીબાગ અંબાલાલ પાર્ક નીક અલકેશ સોસાયટીમાં રહેતા સીનિઅર  સિટિઝન રમેશભાઇ મણીલાલ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં તથા મારા મિત્રો હર્ષદભાઇ બાબુભાઇ ગોરડિયા તથા પ્રમોદભાઇ બાબુભાઇ ગોરડિયા (રહે. મુંબઇ) એ ભાગીદારીમાં વડસરની સીમમાં જમીન મૂળ જમીન માલિક બેચરભાઇ દાદાભાઇ બારોટ પાસેથી લીધી હતી. ત્યારબાદ અમારા નામ રેવન્યૂ રેકર્ડમાં દાખલ થયા હતા.વર્ષ - ૨૦૨૪ માં મારા મિત્ર અને ભાગીદાર હર્ષદભાઇ ગોરડિયાનું અવસાન થતા તેમના દીકરાઓના નામ રેકર્ડમાં ચઢાવવા મેં વકીલને કાગળો આપ્યા હતા. ત્યારે જાણ થઇ કે, આ જમીનનો સોદો થઇ ગયો છે. જમીન લેનાર તરીકે હસમુખ શંકરભાઇ પટેલ (રહે.મ્યુનિસિપલ સ્ટાફ ક્વાટર્સ, સી.જી.રોડ, એલિસ બ્રિજ, અમદાવાદ )તથા નરેન્દ્ર ઇશ્વરભાઇ પરમાર (રહે.પરમાર ફળિયું, કાવી,તા.જંબુસર, જિ.ભરૃચ) ના નામ છે. તથા વેચનાર તરીકે અમારા ત્રણેયના નામ લખી તથા અમારા ત્રણેયના ખોટા આધારકાર્ડ બનાવી આ જમીન તેઓના નામે જુલાઇ - ૨૦૨૨૦ માં વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. 


૧.૨૨ કરોડમાં વેચાણ દસ્તાવેજ થયો હતો

 અમદાવાદની વિજયા બેંકના ચેક જમીનના અવેજ તરીકે આપ્યા હતા

વડોદરા,

દસ્તાવેજની કોપી ચેક કરતા તેમાં આધારકાર્ડ ખોટું રજૂ કર્યું હોવાનું જણાઇ આવ્યું હતું. તેમજ વેચાણ દસ્તાવેજના છેલ્લા પેજ પર અમારી ખોટી સહીઓ કરી અન્ય વ્યક્તિઓના ફોટા ચોંટાડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં અન્યને ઊભા  રાખી૧.૨૨ કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. દસ્તાવેજમાં વિજયા બેન્ક આશ્રમરોડ શાખા, અમદાવાદના કુલ ૬ ચેક જમીનના અવેજ પેટે આપ્યાનું બતાવ્યું હતું. પ્રમોદભાઇ તથા હર્ષદભાઇના નામનો ખોટો પાવર ઓફ એટર્ની રજૂ કર્યા હતા.