Gujarat

મકાનમાલિકે ભાડુઆત પાસેથી મિલકતનો કબજો લેવા 38 વર્ષ કાનુની જંગ લડવો પડયો

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
મકાનમાલિકે ભાડુઆત પાસેથી મિલકતનો કબજો લેવા 38 વર્ષ કાનુની જંગ લડવો પડયો


 સુરત

નાનપુરાની મિલકત માટે સુરતની સ્થાનિક અદાલતથી માંડી હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી 38 વર્ષ કાનૂની જંગ લડયા બાદ કબજો મળ્યો

નાનપુરા વિસ્તારમાં આવેલી મિલકતનો ભાડુત પાસેથી કબજો મેળવવા છેક 1983થી સુરતની સ્થાનિક અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધી મકાનમાલિકે છેડેલા કાનુની જંગ બાદ છેક 38 વર્ષો પછી પોતાની મિલકતનો ભાડુઆત પાસેથી કબજો મેળવવામાં સફળતા મળી હોવાની વિગતો કોર્ટ સંકુલમાંથી સાંપડી છે.

નાનપુરાના વોર્ડ નં.1માં આવેલી સ્વામી ગુણાતીત નગર સોસાયટી દલીચંદ નગરમાં આવેલ મકાન નં.10 ફરીયાદી રમેશચંદ્ર નગીનદાસ વાંકાવાલાના નામે ચાલી આવતી હતી. મિલકત તેમણે વલ્લભ દેવરાજભાઈને ભાડે આપી હતી. પરંતુ નિયમિત ભાડુ ચુકવવાને બદલે વિજય બચુભાઈ ભગતને પેટા ભાડે આપી હતી. જેથી ફરિયાદી મિલકત માલિક રમેશચંદ્ર વાંકાવાલાએ મિલકતનો કબજો-ભાડું મેળવવા મૂળ ભાડુઆત તથા પેટા ભાડુઆત વિરુધ્ધ 1983માં સ્મોલ કોઝ કોર્ટમાં દાવો કર્યો હતો. ભાડુઆત તરફે રજૂઆત થઇ હતી કે, પોતાની માતા સુગરાબેન ઉર્ફે સરોજ બચુભાઈ ભગતેે ભાડે રાખી છે.  જેને 1996માં મકાન માલિક તરફે કુમાર રામાનાની રજુઆતો ધ્યાને લઇ કોર્ટે નકારી કાઢીને ભાડુઆતને મિલકત ખાલી કરી ચઢેલું ભાડુ ચુકવવા હુકમ કર્યો હતો.

આ હુકમ સામે ભાડુઆતે ડિસ્ટ્રીકટ કોર્ટમાંવર્ષ-2010માં અપીલ કરી, તે નકારાતા હાઇકોર્ટમાં અપીલ કરી અને ત્યાંથી પણ નકારી કઢાઇ હતી. જેથી મૂળ મકાનમાલિકે સ્મોલ કોઝ કોર્ટમાં વર્ષ-2011માં દરખાસ્ત દાખલ કરી હતી. જેની સામે ભાડુઆતોએ વાંધા અરજી અને મનાઈની માંગ કરતા સ્થાનિક અદાલતે નકારી કાઢી નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખ્યો હતો. જેની સામે ભાડુઆતોએ હાઇકોર્ટમાં વર્ષ-2012માં સેકન્ડ અપીલ કરી હતી. તે નકારી કઢાતા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને ત્યાં પણ નકારી કાઢીને સુરતની સ્થાનિક અદાલત, હાઈકોર્ટના હુકમને કાયદેસરનો ઠેરવ્યો હતો. આમ ભાડુઆતો પાસેથી મિલકતનો કબજો મેળવવા મકાનમાલિકે 38 વર્ષનો કાનુની જંગ ખેલવો પડયો છે.