રાજકોટમાં IT કંપનીમાં નોકરી કરતી યુવતીની જમીન પચાવી પાડી
જસદણ તાલુકાના વીરપર (ભા.) ગામે આવેલી જમીન પચાવી પાડવા અંગે ગુનો : આરોપી પાસેથી જ જમીન ખરીદી કરી હતી, બાદમાં આરોપીએ જમીન ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો
રાજકોટ, : રાજકોટના કાલાવડ રોડ પરની શ્રીરામ પાર્ક સોસાયટી શેરી નં. 1માં રહેતી અને આઈટી કંપનીમાં નોકરી કરતી ડેનીશાબેન હરસુખભાઇ ગણધરીયા (ઉ.વ 30)ની જસદણ તાલુકાના વીરપર (ભા.) ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડવા અંગે શામજી હમીર સોલંકી (રહે. વીરપર) વિરૂધ્ધ ભાડલા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં ડેનીશાબેને જણાવ્યું છે કે 2019માં તેના પિતાનું અવસાન થયું હતું. 2011ની સાલમાં તેના પિતાએ શામજી સોલંકી પાસેથી રૂા. 2.50 લાખમાં વીરપરમાં આવેલી જમીન ખરીદ કરી હતી. તે વખતે તેના પિતાને શામજી સાથે સારા સંબંધ હતા. જેથી તેણે જમીનમાં વાવેતર કર્યું હોવાથી તેને પાક પૂરો થયે જમીન ખાલી કરી આપવા કહ્યું હતું.
પાક પૂરો થયા બાદ તેના પિતાએ જમીન ખાલી કરવાનું કહેતા શામજીએ આ જમીન મારી છે, હવે પછી તમે લોકો આ જમીનમાં ન આવતા તેમ કહી જમીન ખાલી કરી ન હતી. એટલું જ નહીં જસદણ મામલતદાર ઓફિસમાં વાંધા અરજી કરી હતી. જેથી તેના પિતાએ જસદણના નાયબ કલેક્ટરને અપીલ અરજી કરતા તેણે મામલતદારે કરેલ હુકમ રદ કરવા હુકમ કર્યો હતો. જેની સામે શામજીએ અપીલ કરતાં રાજકોટના કલેક્ટરે જસદણના નાયબ કલેક્ટરનો હુકમ કાયમ રાખવા હુકમ કર્યો હતો.
ત્યારબાદ તેના પિતાની વિરૂધ્ધમાં શામજીએ જસદણ કોર્ટમા ંદાવો કર્યો હતો. જે દાવાનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી વચગાળાનો હુકમ તેના પિતાની તરફેણમાં આવ્યો હતો. આ પછી શામજીની પત્ની અને સંતાનોએ તેના પિતા વિરૂધ્ધ જસદણ કોર્ટમાં રેવન્યુ દિવાની દાવો કર્યો હતો. જે દાવાના વાદીઓ હાજર ન રહેતા દાવો ડીડી કરવાનો હુકમ કરાયો હતો. બાદમાં દાવો ચાલુ રાખવા માટે શામજીની પત્ની અને સંતાનોએ બીજા વકીલ દ્વારા અરજી કરી હતી. પરંતુ કોર્ટનો વચગાળાનો હુકમ હોવા છતાં શામજીએ તેની માલિકીની જમીનનો કબજો ખાલી કર્યો ન હતો. જમીનની સીધી લીટીના વારસદાર તરીકે તેણે તેની માતા અને બહેને પોતાના નામોની એન્ટ્રી કરાવી હતી. એટલું જ નહીં બાદમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી. જેના આધારે આખરે ફરિયાદ નોંધાઇ હતી.