વણાંકબોરી થર્મલના એશ ડાઈક એરિયામાં પાળો તૂટતા તળાવ ફાટયું
- ડાઈક નં.-૧મા બીજા ખાડાનું પાણી આવતા અફરાતફરી
- ડ્રાઈવરો સાથે 5 ટ્રક ફસાઈ : બચાવ કામગીરી બાદ સદનસીબે જાનહાનિ ટળી
ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે પોન્ડ એશ ડાઈક એરિયામાં ગત રોજ સાંજના પડી રહેલા વરસાદને પગલે વરસાદી પાણી તળાવમાં ભરાતા અચાનક પાણીનો સંગ્રહ વધ્યો હતો. જેના કારણે આજે તળાવ અચાનક ફાટયું હતું.
જેને પરિણામે અંદર એશ ભરવા માટે ગયેલી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ચાર ટ્રક ડ્રાઈવરો સાથે અંદર ફસાઈ હતી.
જે અંગેની જાણ થતા ડાઈક એરિયા તેમજ સાંગોલ સીમવિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. એશ ડાઈક તળાવમાં ડ્રાઇવરો ફસાયા હોવાની જાણ થતા વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ફસાયેલા પાંચ જેટલા ટ્રક ડાઈવરને બચાવવા માટે થર્મલ પાવર પ્લાન્ટના ફાયરફાઈટરના જવાનોની મદદથી ટ્રકના ડ્રાઇવરોને સલામત રીતે બહાર લાવવા પ્રાયસો શરૂ કર્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.